×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'પાંચજન્ય ધર્મયુદ્ધનો શંખનાદ છે', Infosysની ટીકા મુદ્દે હવે પત્રિકાની સાથે આવ્યું RSS


- પાંચજન્ય (હિંદી) અને ઓર્ગેનાઈઝર (અંગ્રેજી)નું પ્રકાશન ભારત પ્રકાશન નામની સંસ્થા કરે છે અને એવું માનવામાં આવે છે કે, બંને પત્રિકાઓ સંઘના વિચારોને મંચ પ્રદાન કરે છે

નવી દિલ્હી, તા. 09 સપ્ટેમ્બર, 2021, ગુરૂવાર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ મનમોહન વૈદ્યએ દિગ્ગજ સોફ્ટવેર કંપની ઈન્ફોસિસની ટીકા કરીને નિશાન પર આવેલી પાંચજન્ય પત્રિકાનો બચાવ કર્યો છે. તેમણે જણાવ્યું કે, પાંચજન્ય ધર્મયુદ્ધની લડાઈ લડી રહ્યું છે. મનમોહન વૈદ્યનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે પાંચજન્ય પત્રિકાના એક લેખના કારણે તેની ટીકા થઈ રહી છે. 

પાંચજન્ય પત્રિકાએ પોતાના એક લેખ 'સાખ અને આઘાત'માં દિગ્ગજ સોફ્ટવેર કંપની ઈન્ફોસિસની ટીકા કરી હતી અને તેને 'એન્ટી નેશનલ' ઠેરવી હતી. દિલ્હીમાં પાંચજન્ય પત્રિકાના નવા કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન મનમોહન વૈદ્યએ એટલે સુધી કહી દીધું કે, જ્યારે 'ધર્મ યુદ્ધ'ની સ્થિતિ હોય ત્યારે કદીક 'સારા લોકો'ની પણ ટીકા કરવી પડે છે કારણ કે તેઓ ખોટા પક્ષનો સાથ આપી રહ્યા હોય છે. 

ઈન્ફોસિસ મુદ્દે સંઘમાં 2 વિચારધારા

અગાઉ સંઘના પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે પાંચજન્ય દ્વારા ઈન્ફોસિસ અંગે વ્યક્ત કરવામાં આવેલા વિચારોથી અંતર જાળવી લીધું હતું. તેમણે કહ્યું હતું કે, પાંચજન્ય સંઘનું મુખપત્ર નથી અને ઈન્ફોસિસ અંગે લખવામાં આવેલા વિચાર ફક્ત લેખકની ભાવનાઓને વ્યક્ત કરે છે. 

પાંચજન્ય ધર્મયુદ્ધનો શંખનાદ છે

6 સપ્ટેમ્બરના રોજ આયોજિત આ કાર્યક્રમમાં મનમોહન વૈદ્ય સુનીલ આંબેકરના વિચારથી અલગ પાંચજન્યની પ્રશંસા કરતા દેખાયા હતા. તેમણે કહ્યું હતું કે, 'પાંચજન્ય ધર્મયુદ્ધનો શંખનાદ છે'. વધુમાં તેમણે કહ્યું હતું કે, કોઈ પણ ધર્મ યુદ્ધના બે પક્ષ હોય છે. એવો સમય પણ આવી શકે જ્યારે ખોટા પક્ષમાં સારા લોકો હોઈ શકે અને તમારે તેમના પર પણ પોતાના તીર ચલાવવા પડે. ભારતવિરોધી શક્તિઓ પર રાષ્ટ્રવાદી દૃષ્ટિકોણ હાવી થઈ રહ્યો છે પરંતુ યુદ્ધ લાંબો સમય સુધી ચાલશે. 

ઉલ્લેખનીય છે કે, પાંચજન્ય (હિંદી) અને ઓર્ગેનાઈઝર (અંગ્રેજી)નું પ્રકાશન ભારત પ્રકાશન નામની સંસ્થા કરે છે અને એવું માનવામાં આવે છે કે, બંને પત્રિકાઓ સંઘના વિચારોને મંચ પ્રદાન કરે છે.