×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પંજશીરમાં સંઘર્ષઃ 600 તાલિબાનીઓના મોત, 1000થી વધુએ ઘૂંટણીયા ટેકવ્યા, અમેરિકાએ વ્યક્ત કરી ગૃહ યુદ્ધની આશંકા


- તાલિબાનના કહેવા પ્રમાણે તેણે પંજશીરના 7 પૈકીના 4 જિલ્લા પર કબજો જમાવી દીધો છે

- જો તાલિબાન પોતાનું શાસન સ્થાપિત નહીં કરી શકે તો આગામી વર્ષોમાં અફઘાનિસ્તાનમાં ફરી અલ-કાયદા અને આઈએસઆઈએસ જેવા આતંકવાદી સંગઠનો વિકસિત થવા લાગશે

નવી દિલ્હી, તા. 05 સપ્ટેમ્બર, 2021, રવિવાર

તાલિબાન માટે અફઘાનિસ્તાનનું પંજશીર માથાનો દુખાવો બની ગયું છે. ત્યાં કબજો મેળવવા માટે હજુ પણ સંઘર્ષ ચાલી રહ્યો છે. વારંવાર તાલિબાન એવો દાવો કરી રહ્યું છે કે, તેના ફાઈટર્સે પંજશીરને પોતાના કબજામાં લઈ લીધું પરંતુ અફઘાનિસ્તાન પ્રતિરોધી મોરચો આ દાવાને નકારી રહ્યો છે. 

ફરી એક વખત એવા સમાચાર સામે આવ્યા છે કે, તાલિબાન અને અફઘાન પ્રતિરોધી મોરચા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં 600 કરતા વધારે તાલિબાની ફાઈટર્સને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. પ્રતિરોધી મોરચાના પ્રવક્તા ફહીમ દશ્તીએ ટ્વીટમાં લખ્યું હતું કે, તેમના ફાઈટર્સે 600 કરતા વધારે તાલિબાનીઓના ઢીમ ઢાળી દીધા છે. એક હજાર કરતા વધારે આત્મ સમર્પણ કરી દીધું છે. આ લડાઈ શનિવારે થઈ હોવાનું જણાવાયું છે. 

4 જિલ્લા પર કબજાનો તાલિબાનનો દાવો

એક તરફ અફઘાન પ્રતિરોધી મોરચો 600 તાલિબાનીઓના ઢીમ ઢાળ્યાનો દાવો કરે છે અને બીજી બાજુ તાલિબાનના કહેવા પ્રમાણે તેણે પંજશીરના 7 પૈકીના 4 જિલ્લા પર કબજો જમાવી દીધો છે. તાલિબાની નેતાના કહેવા પ્રમાણે તેમની લડાઈ ચાલુ હતી અને ફાઈટર્સ ગવર્નર હાઉસ તરફથી આગળ વધી રહ્યા હતા પરંતુ રસ્તામાં બારૂદની સુરંગના કારણે લડાઈ ધીમી પડી ગઈ હતી. 

અમે લડતા રહીશું- અહમદ મસૂદ

તાલિબાનના દાવાથી અલગ અફઘાન પ્રતિરોધી મોરચાના પ્રવક્તા ફહીમ દશ્તીના કહેવા પ્રમાણે ખ્વાક દર્રે ખાતે તેમના ફાઈટર્સે હજારો તાલિબાનીઓને ઘેરી લીધા છે અને રેવાક ક્ષેત્રમાં કબજે કરવામાં આવેલા વાહનો છોડી દીધા છે. પંજશીરના કમાન્ડર અહમદ મસૂદે ફેસબુક પર લખ્યું હતું કે, તેમની લડાઈ ચાલુ રહેશે અને તેઓ પંજશીરમાં વધુ મજબૂત બની રહ્યા છે. 

ગૃહ યુદ્ધની આશંકા

આ બધા વચ્ચે અમેરિકાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના અધ્યક્ષ માર્ક મિલેએ અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધની આશંકા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, અફઘાનિસ્તાનમાં જે રીતની સ્થિતિ છે તેનાથી બહુ જલ્દી ગૃહ યુદ્ધ છેડાઈ શકે છે. મને નથી ખબર કે તાલિબાની સરકારને ચલાવવા અને પોતાનું શાસન સ્થાપિત કરવા સક્ષમ છે કે નહીં. જો તાલિબાન પોતાનું શાસન સ્થાપિત નહીં કરી શકે તો આગામી વર્ષોમાં અફઘાનિસ્તાનમાં ફરી અલ-કાયદા અને આઈએસઆઈએસ જેવા આતંકવાદી સંગઠનો વિકસિત થવા લાગશે.