×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કતારમાં ભારતીય રાજદૂત અને તાલિબાન વચ્ચે પહેલી સત્તાવાર બેઠક યોજાયા બાદ રાજકીય મોરચે હલચલ

નવી  દિલ્હી,તા.1 સપ્ટેમ્બર 2021,બુધવાર

કતારમાં ભારત અને તાલિબાન વચ્ચે પહેલી વખત ઔપચારિક બેઠક યોજાઈ છે.

વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે કતારમાં ભારતીય રાજદૂત દીપક મિત્તલે તાલિબાન નેતા શેર મહોમ્મદ અબ્બાસ સ્ટાનેકજાઈ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત મંગળવારે રાત્રે યોજાઈ હતી. મુલાકાત માટે તાલિબાન નેતા દ્વારા જ અનુરોધ કરવામાં આવ્યો હતો. સ્ટાનેકજાઈ હાલમાં કતારમાં  તાલિબાનના પ્રતિનિધિ તરીકે કામગીરી સંભાળે છે.

વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરાયેલી પ્રેસ રિલિઝમાં કહેવામાં આવ્યુ છે કે, તાલિબાન નેતા અને ભારતીય રાજદૂત વચ્ચે અફઘાનિસ્તાનમાં હાલમાં ફસાયેલા ભારતના નાગરિકોની સુરક્ષા અને તેમના જલ્દી ભારત પાછા ફરવા અંગે ચર્ચા થઈ હતી. જે અફઘાન નાગરિકો અને ખાસ કરીને હિન્દુ અને શીખો ભારત પાછા આવવા માંગે છે તેમને લઈને પણ ભારતે વાત કરી હતી.

આ સિવાય ભારતીય રાજદૂતે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ ભારત સામે આતંકવાદ ફેલાવવા માટે થઈ શકે છે તેવી ચિંતા વ્યક્ત કરી હતી પણ તાલિબાન નેતાએ આ મુદ્દે સકારાત્મક વલણ અપનાવવાનુ આશ્વાસન આપ્યુ હતુ.

તાલિબાન નેતા સ્ટાનકજાઈ આ પહેલા ઈન્ડિયન મિલિટરી એકેડમીમાં તાલીમ લઈ ચુકાય છે અને તેમને બીજા કેડેટસ શેરુ કહીને બોલાવતા હતા.