×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Tokyo Paralympics: અવનિ લેખરાનો શૂટિંગમાં કમાલ, ભારતને અપાવ્યો ગોલ્ડ


- રવિવારે મહિલા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિનાબેન પટેલ અને ઉંચી કૂદના એથલીટ નિષાદ કુમાર સિલ્વર મેડલ જીત્યા હતા

નવી દિલ્હી, તા. 30 ઓગષ્ટ, 2021, સોમવાર

ટોક્યો પેરાલમ્પિક્સમાં ભારતની અવનિ લેખરાએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. 19 વર્ષીય આ શૂટરે મહિલાઓની 10 મીટર એર રાઈફલના ક્લાસ એસએચ1માં પહેલું સ્થાન હાંસલ કર્યું છે. અવનિએ 249.6નો સ્કોર બનાવ્યો હતો અને અવ્વલ રહી હતી. પેરાલમ્પિક્સના ઈતિહાસમાં ભારતનો શૂટિંગમાં આ પહેલો ગોલ્ડ મેડલ છે. તેના પહેલા સોમવારે જ યોગેશ કથુનિયાએ ભારતને ડિસ્ક્સ થ્રોમાં સિલ્વર મેડલ અપાવ્યો હતો. 

ભારતની અવનિ લેખરાએ ઈતિહાસ સર્જ્યો

જયપુરની અવનિએ ફાઈનલમાં 249.6 પોઈન્ટ બનાવીને વિશ્વ રેકોર્ડની બરાબરી કરી હતી અને પહેલું સ્થાન હાંસલ કર્યું હતું. તેણે ચીનની ઝાંગ કુઈપિંગ (248.9 પોઈન્ટ)ને પાછળ છોડી હતી. યુક્રેનની ઈરિયાના શેતનિક (227.5)એ કાંસ્ય પદક જીત્યો હતો. 

અવનિ પેરાલમ્પિક રમતોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. ઉપરાંત તે ભારતનું શૂટિંગ પ્રતિયોગિતામાં પણ પહેલું મેડલ છે. ટોક્યો પેરાલમ્પિકમાં પણ આ દેશનો પહેલો ગોલ્ડ મેડલ છે. પેરાલમ્પિક રમતોમાં મેડલ જીતનારી તે ત્રીજી ભારતીય મહિલા છે. 

રવિવારે મહિલા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિનાબેન પટેલ અને ઉંચી કૂદના એથલીટ નિષાદ કુમાર સિલ્વર મેડલ જીત્યા હતા. ભારતીય પેરાલમ્પિક સમિતિના અધ્યક્ષ દીપા મલિક રિયો પેરાલમ્પિક 2016માં ગોળા ફેંકમાં રજત પદક જીતીને આ રમતોમાં મેડલ જીતનારા પહેલા ભારતીય મહિલા બન્યા હતા. 

અવનિ પહેલા ભારત તરફથી પેરાલમ્પિક રમતોમાં મુરલીકાંત પેટકર (પુરૂષ તૈરાકી, 1972), દેવેન્દ્ર ઝાઝરિયા (પુરૂષ ભાલા ફેંક 2004 અને 2016) તથા મરિયપ્પન થંગાવેલુ (પુરૂષ ઉંચી કૂદ, 2016)માં ગોલ્ડ મેડલ જીત્યા હતા. 

આના પહેલા અવનિએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં 21 નિશાનેબાજો વચ્ચે સાતમા સ્થાને રહીને ફાઈનલ્સમાં પ્રવેશ કર્યો હતો. તેણે સીરીઝના 6 શોટ બાદ 621.7નો સ્કોર બનાવ્યો જે ટોચના 8 નિશાનેબાજોમાં જગ્યા બનાવવા માટે પૂરતો હતો. 

ચીનની કુઈપિંગ અને યુક્રેનની શેતનિકે ક્વોલિફિકેશનમાં 626.0ના પેરાલમ્પિક રેકોર્ડ સાથે પહેલા 2 સ્થાન હાંસલ કર્યા હતા.