×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ટોક્યો પેરાલિમ્પિકમાં ગુજરાતની ભાવિનાના ઐતિહાસિક સિલ્વર સાથે ભારતના ત્રણ મેડલ


રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિતના મહાનુભાવોએ પેરા-એથ્લીટ્સને બિરદાવ્યા

ભાવિનાએ પેરા ટેબલ ટેનિસમાં ભારતને સૌપ્રથમ મેડલ અપાવ્યો, હાઈ જમ્પમાં નિષાદ કુમારને સિલ્વર : જો કે ડિસ્કસ થ્રોમાં વિનોદના બ્રોન્ઝને સ્થગિત કરાયો

ગુજરાત સરકાર ભાવિનાને ત્રણ કરોડ રૂપિયા આપશે  

ટોક્યો : ગુજરાતની પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિકમાં ઐતિહાસિક સિલ્વર મેડલ જીતવાની સાથે ભારતીય રમતવિશ્વમાં પોતાનું નામ સુવર્ણાક્ષરે અંકિત કરાવી લીધું હતુ.

ભાવિનાએ સવારે પેરાલિમ્પિક ટેબલ ટેનિસમાં ભારતને સૌપ્રથમ મેડલ તરીકે સિલ્વર અપાવ્યો હતો. જે પછી સાંજે ભારતીય પેરા હાઈજમ્પર નિષાદ કુમારે પોતાના જ એશિયન રેકોર્ડની બરોબરી કરતાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. જ્યારે ડિસ્કસ થ્રોમાં ભારતના વિનોદ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ સાથે ભારતે મેજર ધ્યાન ચંદના 116માં જન્મદિને રાષ્ટ્રીય સ્પોર્ટસ ડે ની ઉજવણી પેરાલિમ્પિકના બે સિલ્વર અને એક બ્રોન્ઝ એમ કુલ ત્રણ મેડલ સાથે કરી હતી. જો કે વિનોદકુમારની દિવ્યાંગતાના ક્લાસીફિકેશનનો વિરોધ થતાં મેડલ સ્થગિત કરાયો હતો.

ગુજરાતની પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિનાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના રાજનેતાઓ અને સેલિબ્રિટીઝે અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત સરકારે ભાવિનાને ઐતિહાસિક સિલ્વર સફળતા બદલ રૂપિયા ત્રણ કરોડનો પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી. જ્યારે રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ફેડરેશને પણ ભાવિનાને 31 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. 

ટોક્યોમાં કેટેગરી 4ની વિમેન્સ સિંગલ્સમાં વર્લ્ડ નંબર ટુ અને થ્રીને હરાવી ચૂકેલી ભાવિના પટેલ આજે ફાઈનલમાં ચીનની વર્લ્ડ નંબર વન ખેલાડી ઝોઉ યીંગ સામે 0-3થી હારી ગઈ હતી.

ઝોઉ યીંગ 2008 અને 2012 પછી આ ત્રીજી વખત સી-4 કેટેગરીની સિંગલ્સ ઈવેન્ટમાં ગોલ્ડ જીતી હતી. ફાઈનલમાં તેણે 19 જ મિનિટમાં વિજય મેળવ્યો હતો.  ભારતીય પેરા હાઈજમ્પર નિષાદ કુમારે ટી47 કેટેગરીની હાઈજમ્પની ફાઈનલમાં 2.06 મીટરના જમ્પ સાથે પોતાના જ એશિયન રેકોર્ડની બરોબરી કરતાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. અમેરિકાનો ડેલાસ વાઇઝ પણ 2.06 મીટરની ઊંચાઈ ક્લિયર કરીને સંયુક્તપણે સિલ્વર જીત્યો હતો.

જ્યારે અમેરિકાના રોડ્રિક ટાઉનસેન્ડ-રોબર્ટ્સને 2.15 મીટરના વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ મળ્યો હતો. ડિસ્કસ થ્રોની એફ52 કેટેગરીની ઈવેન્ટમાં ભારતના વિનોદ કુમારે 19.91 મીટરના અંતરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પોલેન્ડના પિઓટર કોસેવિઝને 20.02 મીટરના અંતર સાથે ગોલ્ડ અને ક્રોએશિયાના વેલીમીર સાન્ડોરને 19.98 મીટરના અંતર સાથે બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. 

ભાવિનાના ગામમાં ગરબા સાથે ઉજવણી

ટોક્યો પેરાલિમ્પિકમાં ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસમાં ઐતિહાસિક સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે મહેસાણા જિલ્લામાં આવેલા તેના સૂંઢિયા ગામ ખાતે લોકોએ ગરબા કરીને ઉજવણી કરી હતી. ભાવિનાની સિદ્ધિને પગલે ગામાં ઉત્સવનું વાતાવરણ જોવા મળ્યું હતુ અને લોકોએ એકબીજાને ગુલાલ લગાવ્યો હતો અને ફટાકડા પણ ફોડયા હતા. ભાવિનાના પિતા હસમુખ પટેલે કહ્યું કે, અમે ક્યારેય તેને ક્યારેય દિવ્યાંગ માનતા જ નથી. તે અમારા માટે દિવ્ય છે.