×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આઝાદીનો અમૃત મહોત્સવઃ નેહરૂની તસ્વીર ગાયબ થવા મુદ્દે રાહુલે કહ્યું- લોકોના દિલમાંથી કેવી રીતે કાઢશો?


- આ ફક્ત નિંદનીય નહીં પણ અનૈતિહાસિક એટલે કે ઈતિહાસની વિરૂદ્ધ પણ છેઃ શશિ થરૂર

નવી દિલ્હી, તા. 29 ઓગષ્ટ, 2021, રવિવાર

ભારતીય ઈતિહાસ સંશોધન પરિષદ (આઈસીએચઆર) દ્વારા આયોજિત 'આઝાદીના અમૃત મહોત્સવ' સમારંભમાંથી દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂની તસવીર દૂર કરવાને લઈ હોબાળો મચ્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે ICHR દ્વારા 'આઝાદીના અમૃત મહોત્સવ' સમારંભમાંથી દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂની તસવીર દૂર કરવાને લઈ કટાક્ષમાં લખ્યું હતું કે, 'દેશના પ્યારા પંડિત નેહરૂ'ને લોકોના દિલમાંથી કેવી રીતે કાઢવામાં આવશે. તેમણે ફેસબુક પર નેહરૂના જીવન સાથે સંકળાયેલી અનેક તસવીરો શેર કરીને લખ્યું હતું કે, 'દેશના પ્યારા પંડિત નેહરૂને લોકોના દિલમાંથી કેવી રીતે કાઢશો?'

કોંગ્રેસ સહિત અન્ય કેટલાય દળોના નેતાઓએ પણ સમારંભમાંથી દેશના પ્રથમ વડાપ્રધાનની તસવીર દૂર કરવા અંગે વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ પાર્ટીના અનેક નેતાઓએ ICHRની વેબસાઈટ પર 'આઝાદીના અમૃત મહોત્સવ' સાથે સંકળાયેલી તસ્વીરોના સ્ક્રીન શોટ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યા છે. આ તસ્વીરમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, રાજેન્દ્ર પ્રસાદ, ભગત સિંહ, મદનમોહન માલવીય અને વીર સાવરકરના ચિત્ર છે પરંતુ નેહરૂની તસ્વીર ગાયબ છે. 

જોકે આ મુદ્દાને લઈ ICHR દ્વારા હાલ કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે, આઝાદીનો અમૃત મહોત્સવ દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં મનાવાઈ રહ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ICHRના આ પગલાને ભદ્દું ગણાવ્યું હતું. 

લોકસભામાં કોંગ્રેસના ઉપ નેતા ગૌરવ ગોગોઈએ જણાવ્યું કે, કોઈ પણ દેશ સ્વતંત્રતા સંઘર્ષનો ઉલ્લેખ કરનારી વેબસાઈટ પરથી પોતાના પ્રથમ વડાપ્રધાનની તસવીર નહીં હટાવે પરંતુ અહીં એમ બન્યું, જે ખૂબ જ તુચ્છ અને અન્યાયપૂર્ણ છે. ICHR દ્વારા પંડિત નેહરૂ અને અબુલ કલામ આઝાદની તસ્વીરો દૂર કરવામાં આવી તે નિમ્ન વિચાર અને અન્યાય છે. ભારતે એ નહીં ભૂલે કે RSSએ આઝાદીની લડાઈથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો. 

કોંગ્રેસી નેતા શશિ થરૂરે કહ્યું કે, ICHRએ પંડિત નેહરૂની તસ્વીર હટાવીને પોતાને કલંકિત કર્યું છે. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, 'આ ફક્ત નિંદનીય નહીં પણ અનૈતિહાસિક એટલે કે ઈતિહાસની વિરૂદ્ધ પણ છે કે આઝાદીનો જશ્ન ભારતીય આઝાદીનો મહત્વપૂર્ણ અવાજ રહેલા જવાહરલાલ નેહરૂને હટાવીને મનાવવામાં આવે. ફરી એક વખત ICHRએ પોતાનું નામ ખરાબ કર્યું છે. આ એક આદત બની રહી છે.'

પાર્ટી પ્રવક્તા પવન ખેડાએ ટ્વીટમાં લખ્યું હતું કે, 'નેહરૂનો ફોટો હટાવવાથી શું તમારૂં કદ વધી જશે? વામન હોય એ વામન જ રહેશે.'

શિવસેનાના નેતા અને રાજ્યસભા સદસ્ય પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું કે, જો તમે સ્વતંત્ર ભારતના નિર્માણમાં બીજાની ભૂમિકા ઘટાડશો તો તમે કદી મોટા નહીં દેખાઈ શકો. સાથે જ કહ્યું કે, આઝાદીનો અમૃત મહોત્સવ ત્યારે જ ઉજવાઈ શકે જ્યારે તે બધાની ભૂમિકાનો સ્વીકાર કરે. ભારતના પહેલા વડાપ્રધાનને દૂર કરીને ICHR પોતાની ક્ષુદ્રતા અને અસુરક્ષિતતા દર્શાવે છે.