×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Paralympics: ભાવિના પટેલે પેરાલમ્પિક ટેબલ ટેનિસમાં જીત્યો સિલ્વર મેડલ, ફાઈનલમાં હાર


- ભાવિના પટેલ 2011માં વિશ્વની બીજા નંબરની ખેલાડી પણ બની હતી જ્યારે તેણે પીટીટી થાઈલેન્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો

નવી દિલ્હી, તા. 29 ઓગષ્ટ, 2021, રવિવાર

ટોક્યો ખેલોમાં મહિલા સિંગલ ક્લાસ 4 વર્ગના ફાઈનલમાં ભારતની ભાવિના પટેલે હારનો સામનો કરવો પડ્યો. જોકે આ હાર છતાં ભાવિના પેરાલમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી બની ગઈ છે. ભાવિના પટેલે સિલ્વર મેડલ પર કબજો કર્યો છે. 

રવિવારે 34 વર્ષીય ભાવિનાને ફાઈનલમાં ચીનની વર્લ્ડ નંબર-1 ઝાઉ યિંગે 11-7, 11-5, 11-6થી માત આપી હતી. ભાવિનાએ શનિવારે સેમીફાઈનલમાં ચીનની ઝાંગ મિયાઓને 7-11, 11-7, 11-4, 9-11, 11-8થી માત આપીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. 

વર્તમાન પેરાલમ્પિકમાં આ ભારતનો પહેલો મેડલ છે. ભાવીનાએ પહેલી રમતમાં ઝાઉ યિંગને સારી ટક્કર આપી હતી. પરંતુ ચીનની 2 વખતની પૂર્વ ગોલ્ડ મેડાલિસ્ટે એક વખત લય મેળવીને ભારતીય ખેલાડીને કોઈ તક નહોતી આપી અને સીધી ગેમમાં સરળ વિજય નોંધાવ્યો હતો. 

ભારતીય ખેલાડીએ ફાઈનલમાં માત્ર 19 મિનિટમાં હારનો સામનો કરવો પડ્યો. જોકે તે વર્તમાન પેરાલમ્પિક રમતોમાં ભારતને પહેલો મેડલ અપાવવામાં સફળ રહી. ભાવિનાને આ સપ્તાહની શરૂઆતમાં પોતાની પહેલી ગ્રુપ મેચમાં પણ ઝાઉ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 

બેઈજિંગ અને લંડનમાં ગોલ્ડ મેડલ સહિત પેરાલમ્પિકમાં 5 મેડલ જીતનારી ઝાઉ સામે ભાવિના ઝઝૂમતી દેખાઈ હતી પણ પોતાની રણનીતિને યોગ્ય રીતે લાગુ નહોતી કરી શકી. 

ભાવિના પટેલ 2011માં વિશ્વની બીજા નંબરની ખેલાડી પણ બની હતી જ્યારે તેણે પીટીટી થાઈલેન્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. ઓક્ટોબર 2013માં તેણે બેઈજિંગમાં એશિયાઈ પેરા ટેનિસ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવિનાને શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું હતું કે, વિલક્ષણ ભાવિના પટેલે ઈતિહાસ સર્જી દીધો! તે ઐતિહાસિક સિલ્વર મેડલ સાથે ઘરે આવશે. તેના માટે શુભેચ્છાઓ. તેમની જીવનયાત્રા પ્રેરિત કરનારી છે અને વધુ યુવાનોને રમતો તરફ આકર્ષિત કરશે.