×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આ રાજ્યમાં સસ્તામાં શાકભાજી ખરીદી રહ્યા છે આડતિયાઓ, ખેડૂતોએ રસ્તા પર ફેંક્યો પાક


- ખેડૂતોએ શાકભાજી મંડીમાં લાવવાના બદલે સીધું છૂટક વેચાણકર્તાઓને આપવા જોઈએ જેથી સારી કિંમત મળેઃ મંડીના સચિવ

નવી દિલ્હી, તા. 22 ઓગષ્ટ, 2021, રવિવાર

એક તો વરસાદની સીઝન અને તેમાં પાછું શાકભાજીઓનો પૂરતો ભાવ ન મળવાના કારણે ફિરોઝાબાદના ખેડૂતો ખૂબ જ પરેશાન છે. ટૂંડલા અને તેની આજુબાજુના ખેડૂતો એટા રોડ પર આવેલી મંડીમાં પોતાની શાકભાજી વેચવા આવે છે. પરંતુ તેઓ છૂટકમાં શાક વેચવાના બદલે આડતિયાઓને આપી દે છે. ખેડૂતોનો આરોપ છે કે, આડતિયાઓ જૂથબાજી કે મિલિભગત કરીને તેમના પાસેથી સસ્તામાં શાકભાજી ખરીદી લે છે અને બજારમાં ઉંચી કિંમતે વેચે છે.

નારાજ થઈને રસ્તા પર શાકભાજી ફેંક્યા

શનિવારે પણ આવું જ બન્યું હતું. વરસાદ બાદ ખેડૂતો જ્યારે ટ્રેક્ટરમાં ભરીને પોતાના શાકભાજી વેચવા આવ્યા ત્યારે આડતિયાઓએ ભાવ સાવ પાડી દીધા હતા જેથી રોષે ભરાયેલા ખેડૂતોએ શાકભાજી રસ્તા પર જ ફેંકી દીધા હતા. ખેડૂતોના કહેવા પ્રમાણે મંડીમાં તેમને ઉપજની પૂરતી કિંમત નથી મળી રહી. વિરોધ દર્શાવવા માટે તેમણે લોકોને મફતમાં શાક આપી દીધું હતું. 

સરકાર વિરૂદ્ધ નારેબાજી

આ દરમિયાન ખેડૂતોએ સરકાર વિરૂદ્ધ પણ નારેબાજી કરી હતી. ખેડૂતોએ જણાવ્યું કે, ઉત્તર પ્રદેશ સરકાર અને કેન્દ્ર સરકાર વારંવાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે પરંતુ અહીં શાકભાજીનું વાવેતર કરનારા ખેડૂતો પરેશાન છે. ટૂંડલા અને તેની આજુબાજુના વિસ્તારોમાં ભીંડો, તુરિયા, દૂધી, મરચા, શાકભાજીનું વાવેતર ખૂબ સારૂ થાય છે. પરંતુ વરસાદ અને આડતિયાઓની મનમાનીના કારણે શાકભાજીની પૂરતી કિંમત નથી મળતી. 

આ તરફ ટૂંડલા ખાતે આવેલી મંડીના સચિવ કમલેશ કુમારના કહેવા પ્રમાણે શાકભાજીઓની કિંમત તેની આવક અને ઉપભોગ પર નિર્ભર કરે છે. જ્યારે વધુ પ્રમાણમાં શાકભાજી મંડીમાં આવે છે ત્યારે તેના ભાવ પડી જાય છે. તેમાં પણ ટૂંડલાની મંડી દેહાતની મંડી કહેવાય છે જ્યાં આજુબાજુના ખેડૂતો વધારે આવે છે અને એટલું વેચાણ નથી. ખેડૂતોએ શાકભાજી મંડીમાં લાવવાના બદલે સીધું છૂટક વેચાણકર્તાઓને આપવા જોઈએ જેથી સારી કિંમત મળે.