×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સોનિયા ગાંધીએ વિપક્ષોને લોકશાહી બચાવવા માટે એક થવાનું કર્યું આહવાન

નવી દિલ્હી, 20 ઓગસ્ટ 2021 શુક્રવાર

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ શુક્રવારે વિપક્ષી દળોના નેતાઓ અને કેટલાક વિપક્ષ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી આ બેઠકમાં દેશની રાજકીય પરિસ્થિતિ અને વિપક્ષની ભાવિ રણનીતિ પર ચર્ચા કરવામાં આવી. બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું કે આપણું અંતિમ લક્ષ્ય 2024 ની લોકસભાની ચૂંટણી છે, સ્વતંત્રતા આંદોલનના મૂલ્યોમાં વિશ્વાસ ધરાવતી સરકાર આપવા માટે વ્યવસ્થિત આયોજન કરવું પડશે. સાંજે 4.30 વાગ્યે શરૂ થયેલી આ બેઠક લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી.

સોનિયા ગાંધીએ એમ પણ કહ્યું કે આ સમયે વિપક્ષી દળોની એકતા રાષ્ટ્રીય હિતની માંગ છે અને કોંગ્રેસ તેના તરફથી કોઈ કસર છોડશે નહીં. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે વિપક્ષી પાર્ટીઓને પણ હાકલ કરી કે દેશના લોકશાહી સિદ્ધાંતોને બચાવવા માટે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ.

કોંગ્રેસ સહિત 19 વિપક્ષી દળોના નેતાઓની ડિજિટલ બેઠકમાં, સોનિયાએ સંસદના તાજેતરનાં ચોમાસુ સત્ર દરમિયાન જોવા મળેલી વિપક્ષી એકતાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું, "મને ખાતરી છે કે આ વિપક્ષી એકતા સંસદનાં હવે પછીના સત્રોમાં પણ જળવાઇ રહેશે. પરંતુ મોટી રાજકીય લડાઈ સંસદની બહાર લડવાની છે."

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, દેખીતી રીતે (આપણું) લક્ષ્ય 2024 લોકસભા ચૂંટણી છે. આપણે દેશને સ્વતંત્રતા ચળવળના મૂલ્યો અને બંધારણના સિદ્ધાંતો અને જોગવાઈઓમાં માનતી સરકાર આપવાના ઉદ્દેશ સાથે વ્યવસ્થિત આયોજન શરૂ કરવું પડશે."

તેમણે વિપક્ષી પાર્ટીઓને હાકલ કરી કે "આ એક પડકાર છે, પરંતુ સાથે મળીને આપણે તેને પાર પાડી શકીશું, કારણ કે સાથે કામ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી," . આપણા બધાની અંગત મજબૂરીઓ છે, પરંતુ હવે સમય આવી ગયો છે, જ્યારે રાષ્ટ્રનું હિત એ માંગ કરે છે કે આપણે આ મજબૂરીઓથી ઉપર ઉઠીએ. આ સૌથી યોગ્ય તક છે. હું એટલું જ કહીશ કે કોંગ્રેસ તરફથી કોઈ કલર રહેશે નહીં.

સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી આ મહત્વની બેઠકમાં વિવિધ 19 પાર્ટીઓનાં નેતાઓ ઉપસ્થિત રહ્યા જેમાં  ડીએમકેના વડા એમકે સ્ટાલિન, ટીએમસીના વડા મમતા બેનર્જી, શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, એનસીપીના નેતા શરદ પવાર, લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ યાદવ, સીપીઆઈ (એમ) ના નેતા સીતારામ યેચુરી ઉપરાંત અન્ય પ્રાદેશિક પાર્ટીઓનાં નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં, જો કે એસપીમાંથી કોઈએ બેઠકમાં હાજરી આપી ન હતી.