×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જન આશીર્વાદ યાત્રામાં ઘોડો ભાજપના રંગે રંગાયોઃ મેનકા ગાંધીએ ફરિયાદ નોંધાવી



ઈન્દોર, તા. ૨૦
કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ પછી હવે ભાજપે ૨૨ રાજ્યોમાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન કર્યું છે. એવી જ એક યાત્રા ઈન્દોરમાં યોજાઈ હતી, જેના કારણે વિવાદ સર્જાયો છે. યાત્રામાં ઘોડાને ભાજપના રંગથી રંગવામાં આવતા ખુદ ભાજપના જ નેતા મેનકા ગાંધીએ ફરિયાદ દાખલ કરી છે.
મધ્યપ્રદેશના ઈન્દોરમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરાયું હતું. એ યાત્રામાં એક ઘોડો પણ ભાજપના રંગથી રંગાયેલો જોવા મળ્યો હતો. ઈન્દોરના પૂર્વ કોર્પોરેટર અને ઈન્દોર શહેર ભાજપના નેતા રામદાસ ગર્ગે સિંધિયાની જન આશીર્વાદ યાત્રા માટે ઘોડાને ભાડેથી લીધો હતો અને તેને ભાજપના ઝંડાના રંગથી રંગી નાખ્યો હતો. ઘોડાને આગળની તરફ કેસરી અને પાછળની તરફ લીલા રંગે રંગવામાં આવ્યો હતો. વચ્ચેના ભાગે ભાજપનું ચૂંટણી ચિહ્ન કમળ ચીતરવામાં આવ્યું હતું.


સિંધિયાની જન આશીર્વાદ યાત્રા વખતે કાર્યકરોમાં એ ઘોડો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. કાર્યકરોએ ઘોડા સાથે તસવીરો પાડીને સોશિયલ મીડિયામાં મૂકી હતી. તેના વીડિયો પણ વાયરલ થયા હતા, પરંતુ ભાજપના રંગથી રંગાયેલા ઘોડાના કારણે આયોજકો વિવાદમાં ઘેરાયા છે.
ઈન્દોરના સંયોગિતાગંજ પોલીસ સ્ટેશનમાં આયોજકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પ્રચારના હેતુથી ગેરકાયદે રીતે પ્રાણીઓનો ઉપયોગ કરવા બદલ પીપલ ફોર એનિમલ નામની સંસ્થાએ ફરિયાદ દાખલ કરી છે. આ સંસ્થાના સ્થાપક ભાજપના જ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ મેનકા ગાંધી છે.
આ સંગઠનના સ્થાનિક કાર્યકરોએ પોલીસમાં ફરિયાદ દાખલ કરવાની સાથે સાથે આ મુદ્દે ચૂંટણીપંચમાં રજૂઆત કરવાની તજવીજ પણ શરૂ કરી હતી.