×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તાલિબાનના સમર્થનમાં સપા સાંસદ શફીકુર્રહમાનના નિવેદન પર ભાજપનું નિશાન, કહ્યું- માફી માંગે


- તેમણે કહ્યું હતું કે, જ્યારે હિંદુસ્તાનમાં અંગ્રેજોનું શાસન હતું અને તેમને દૂર કરવા આપણે સંઘર્ષ કર્યો, બિલકુલ એવી જ રીતે તાલિબાને પણ પોતાના દેશને આઝાદ કર્યો. 

નવી દિલ્હી, તા. 18 ઓગષ્ટ, 2021, બુધવાર

સંભલ ખાતેથી સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુર્રહમાન બર્કે તાલિબાનના સમર્થનમાં આપેલા વિવાદિત નિવેદન બાદ હવે ભાજપે તેમના પર નિશાન તાક્યું છે. ભાજપે તેમને સાર્વજનિક સ્વરૂપે માફી માંગવા માટે પણ કહ્યું છે. ભાજપે જણાવ્યું કે, ભારતના સ્વાધીનતા સંગ્રામના સેનાનીઓની તુલના તાલિબાની આતંકવાદીઓ સાથે કરીને સપા સાંસદ શફીકુર્રહમાન બર્કે દેશ માટે પોતાનું સર્વસ્વ બલિદાન કરનારાઓનું અપમાન કર્યું છે. આ તેમની માનસિકતા દર્શાવે છે અને આ અપમાનજનક ટિપ્પણી બદલ સમાજવાદી પાર્ટી અને સાંસદે સાર્વજનિક સ્વરૂપે માફી માંગવી જોઈએ. 

હકીકતે બર્કે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાની તુલના ભારતમાં બ્રિટિશ રાજ સાથે કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, જ્યારે હિંદુસ્તાનમાં અંગ્રેજોનું શાસન હતું અને તેમને દૂર કરવા આપણે સંઘર્ષ કર્યો, બિલકુલ એવી જ રીતે તાલિબાને પણ પોતાના દેશને આઝાદ કર્યો. તાલિબાને રૂસ, અમેરિકા જેવા શક્તિશાળી દેશોને પોતાના દેશમાં રોકાવા ન દીધા. 

અગાઉ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ તેમના પર નિશાન સાધીને કહ્યું હતું કે, સમાજવાદી પાર્ટીમાં કશું પણ બની શકે છે. જો કોઈ આવું નિવેદન આપે છે તો તેમનામાં અને પાકિસ્તાની પીએમ ઈમરાન ખાનમાં કોઈ જ તફાવત નથી. ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા પર કબજો જમાવી લીધો છે. અફઘાનિસ્તાનમાં દહેશતનો માહોલ છે. લોકો પોતાનો જીવ બચાવવા માટે દેશ છોડીને ભાગી રહ્યા છે.