×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કાશ્મીરમાં ભાજપના વધુ એક નેતાની હત્યા કરીને આતંકવાદીઓ ફરાર


- કુલગામના ભાજપના અધ્યક્ષને આતંકીઓએ ગોળી મારી

- હુમલાખોર આતંકીઓની શોધખોળ જારી, ઓમર અબ્દુલ્લાએ ઘટનાને વખોડી, નેતાઓની સુરક્ષા વધારાઇ

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકીઓએ ભાજપના એક નેતાની ગોળી મારીને હત્યા કરી નાખી છે. હાલમાં જ ભાજપના એક સરપંચ અને તેમની પત્નીની પણ ગોળી મારીને આતંકીઓએ હત્યા કરી હતી ત્યારે હવે આ ઘટના સામે આવી છે. જેને પગલે નેતાઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને હુમલાખોર આતંકીઓની શોધખોળ ચાલી રહી છે. 

આ ઘટના પર નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ નારાજગી વ્યક્ત કરી છે સાથે જ આતંકી હુમલાની નિંદા કરી હતી અને માર્યા ગયેલા નેતાના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ભાજપે જણાવ્યું હતું કે કુલગામમાં હોમશાલિબાગના સ્થાનિક અધ્યક્ષ જાવેદ અહમદ ડારની આતંકીઓએ હત્યા કરી દીધી છે. આ ઘટનાની અમે નિંદા કરીએ છીએ.  હાલ કાશ્મીરમાં ભાજપના નેતાઓ આતંકીઓના નિશાના પર વધુ છે.

થોડા દિવસ પહેલા જ ભાજપના નેતા અને સરપંચ ગુલામ રસૂલ ડાર અને તેમના પત્નીની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ગુલામ ડાર ભાજપના કિસાન મોર્ચાના જિલ્લા અધ્યક્ષ પણ હતા. જોકે આતંકીઓ આ નેતાઓની કેમ હત્યાઓ કરી રહ્યા છે તે અંગે કોઇ સ્પષ્ટતા નથી કરવામાં આવી રહી. હાલ નેતાઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને આતંકીઓની શોધખોળ પણ ચાલી રહી છે. 

કાશ્મીરમાં બે વર્ષમાં અમારા ૨૩ કાર્યકર્તાઓની હત્યા થઇ : ભાજપ

જમ્મુ કાશ્મીરમાં ભાજપના નેતાઓની હત્યાઓની ઘટનાઓ વધી રહી છે. એવામાં કાશ્મીર ભાજપના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે કહ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં કાશ્મીરમાં ભાજપના  ૨૩ કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી છે. મોટા ભાગની હત્યાઓ આતંકીઓ દ્વારા કરાઇ છે. જ્યારે જે ૨૩ લોકોની હત્યા કરવામાં આવી છે તેમાંથી નવ કુલગામમાં જ કરવામાં આવી છે. આ નવ હત્યાઓ માત્ર એક જ વર્ષમાં કરવામાં આવી છે અને તેમાં આતંકીઓનો હાથ છે.