×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આખરે અફઘાનિસ્તાન તાલિબાનનાં હાથમાં, શાંતિપૂર્ણ રીતે સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા શરૂ

કાબુલ, 15 ઓગસ્ટ 2021 રવિવાર

અઠવાડિયાના સંઘર્ષ બાદ આખરે તાલિબાનોએ અફઘાનિસ્તાન પર ફરીથી નિયંત્રણ મેળવ્યું છે. રાજધાની કાબુલ પહોંચ્યા બાદ સત્તા ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠનના હાથમાં જવાની છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રાષ્ટ્રપતિ અશરફ ગની ટૂંક સમયમાં રાજીનામું આપી દેશે. દેશના કાર્યકારી ગૃહમંત્રી પહેલાથી જ નિવેદન આપી ચૂક્યા છે કે તાલિબાનને શાંતિપૂર્ણ રીતે સત્તા સોંપવામાં આવશે, ત્યારથી જ સરકારના પતન અંગે અટકળો ચાલી રહી હતી.

તાલિબાનનાં નંબર -2 ના નેતા મુલ્લા બરાદર સત્તા હસ્તાંત્તરણ માટે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે વાતચીત કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ અશરફ ગની અલી અહેમદ જલાલીને સત્તા સોંપશે. આ પહેલા તાલિબાન વાટાઘાટકારો સત્તાના "હસ્તાંતરણ" ની તૈયારી માટે રાષ્ટ્રપતિના નિવાસસ્થાને પહોંચ્યા હતા. એક અધિકારીએ રવિવારે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે બેઠકનો હેતુ શાંતિપૂર્ણ રીતે તાલિબાનને સત્તા સોંપવાનો છે. તાલિબાને કહ્યું કે તેઓ બળ દ્વારા સત્તા મેળવવા માંગતા નથી.

કાબુલની સરહદ પર તાલિબાન

અગાઉ સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસે રિપોર્ટ આપ્યો હતો કે તાલિબાન લડવૈયાઓએ રાજધાનીને ચારે બાજુથી ઘેરી લીધી છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. જ્યારે, મીડિયા રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો કે લડવૈયાઓને હમણાં શહેરના દરવાજા પર ઉભા રહેવાની સૂચના આપવામાં આવી છે અને તેમને પ્રવેશ આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે. દેશમાંથી અમેરિકી અને નાટો દળોના વિદાય સાથે તાલિબાનની ગતિ ઝડપી બની હતી અને હવે રાજધાની તેમની ચુંગાલમાં ફસાઈ ગઈ છે.

તાલિબાનના પ્રવક્તાના જણાવ્યા મુજબ, Islamic Emirates ના લડવૈયાઓ અત્યારે રાજધાનીની બહાર જ રહેશે અને જ્યાં સુધી સત્તા હસ્તાંત્તરણની પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પ્રવેશ નહીં કરે. આ દરમિયાન કાબુલની સુરક્ષાની જવાબદારી અફઘાન સરકારનાં હાથમાં છે. બીજી બાજુ, બ્લૂમબર્ગના રિપોર્ટમાં રાષ્ટ્રપતિ અશરફ ગનીની ઓફિસને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે કાબુલ રાષ્ટ્રીય સુરક્ષા દળ દ્વારા નિયંત્રિત છે અને લોકોને ચિંતા કરવાની જરૂર નથી.

ગૃહમંત્રીએ કહ્યું, 'શાંતિપૂર્ણ રીતે સત્તાનું હસ્તાંતરણ'

રાષ્ટ્રપતિ અશરફ ગનીના ચીફ ઓફ સ્ટાફે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લોકોને અપીલ કરી છે કે ગભરાશો નહીં, ચિંતા કરવાની કોઈ વાત નથી અને કાબુલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. કાર્યકારી ગૃહમંત્રી અબ્દુલ સત્તાર મીર્કાજવાલે કહ્યું છે કે કાબુલ પર કોઈ હુમલો થશે નહીં અને સત્તાનું હસ્તાંતરણ શાંતિપૂર્ણ રીતે થશે. તેમણે કહ્યું કે શહેરની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.

'કોઈ જવાબ આપવામાં આવશે નહીં'

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાલિબાન દાવો કરે છે કે તમામ નાગરિકોનું ધ્યાન રાખવામાં આવશે અને તેમને કોઈ નુકસાન થશે નહીં. તેમણે એવું પણ કહ્યું છે કે સેનાને પણ જવાબ આપવામાં આવશે નહીં. તાલિબાન પ્રવક્તાએ પોતાના નિવેદનમાં 'દરેકને માફ' કરવા જણાવ્યું છે પરંતુ લોકોને તેમના ઘરોમાં રહેવાની સલાહ આપી છે. જ્યારે, નાગરિકોના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે કેટલીક જગ્યાએ લડવૈયાઓ આગળ વધવા લાગ્યા છે.