×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આ રાજ્યમાં પ્રવેશ માટે વેક્સિનના બંને ડોઝ જરૂરી, RTPCR રિપોર્ટ નહીં હોય તો 14 દિવસનું ક્વોરેન્ટાઈન ફરજિયાત


- ઉદ્ધવ સરકાર સમય પહેલા જ દરેક પગલા ભરી રહી છે જેથી બીજી લહેર જેવી તબાહી ન થાય

નવી દિલ્હી, તા. 14 ઓગષ્ટ, 2021, શનિવાર

મહારાષ્ટ્ર સરકારે કોરોનાના કહેર વચ્ચે બહારથી આવતા મુસાફરોને લઈ મહત્વનો નિર્ણય લીધો છે. હવે રાજ્યમાં એન્ટ્રી મેળવનારા કોઈ પણ મુસાફરે કોરોના વેક્સિનના બંને ડોઝ લીધેલા હોય તો જ પ્રવેશ આપવામાં આવશે. તેમણે પુરાવા તરીકે વેક્સિનેશન સર્ટિફિકેટ સાથે રાખવું પડશે. ઉપરાંત જો વેક્સિન ન લીધેલી હોય તો નેગેટિવ આરટીપીસીઆર રિપોર્ટ બતાવવો જરૂરી છે. જો આ નિયમોનું પાલન નહીં થાય તો બહારથી આવી રહેલા મુસાફરોએ મહારાષ્ટ્રમાં 14 દિવસ માટે ક્વોરેન્ટાઈન થવું પડશે. 

મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય

આદેશ પ્રમાણે મુસાફરોએ મહારાષ્ટ્રમાં એન્ટ્રી પહેલા વેક્સિન સર્ટિફિકેટ બતાવવું જરૂરી રહેશે. વેક્સિનના બંને ડોઝ લીધેલા હોવાનું તો જરૂરી છે જ પરંતુ સાથે જ વેક્સિનના બીજા ડોઝ લીધાને પણ 14 દિવસ થઈ ગયા હોવાનું ફરજિયાત છે. જો કોઈ મુસાફર આ માપદંડો પર યોગ્ય ન ઉતરે તો તેણે કોરોનાનો નેગેટિવ આરટીપીસીઆર રિપોર્ટ દેખાડવો પડશે અને તે રિપોર્ટ પણ 72 કલાક જૂનો હોવો જોઈએ. 

રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જો કોઈએ વેક્સિન નહીં લીધી હોય અને તેના પાસે નેગેટિવ આરટીપીસીઆર રિપોર્ટ પણ નહીં હોય તો તેણે 14 દિવસના ક્વોરેન્ટિનમાંથી પસાર થવું પડશે. મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા જણાઈ રહી હોવાથી સરકારે આ આકરા નિર્ણયો લીધા છે. ઉદ્ધવ સરકાર સમય પહેલા જ દરેક પગલા ભરી રહી છે જેથી બીજી લહેર જેવી તબાહી ન થાય.