×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આસામઃ મંદિરના 5 કિમીના ક્ષેત્રમાં નહીં થઈ શકે બીફનું વેચાણ, મવેશી સંરક્ષણ બિલ પાસ


- સાંપ્રદાયિક સૌહાર્દ જાળવી રાખવા માટે ફક્ત હિંદુ જ જવાબદાર હોય, મુસલમાનોએ પણ જવાબદારી લેવી પડશે

નવી દિલ્હી, તા. 14 ઓગષ્ટ, 2021, શનિવાર

આસામ વિધાનસભામાં શુક્રવારે મવેશી સંરક્ષણ બિલ પાસ કરવામાં આવ્યું હતું. હવેથી હિંદુ ધાર્મિક સ્થળો (મઠ-મંદિર વગેરે)ના 5 કિમીના ક્ષેત્રમાં બીફનું વેચાણ નહીં થઈ શકે. બિલમાં તે સિવાય પણ અનેક જોગવાઈઓ કરવામાં આવેલી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાજ્ય વિધાનસભામાં વિચારણા માટે 'મવેશી સંરક્ષણ બિલ' રજૂ કર્યું અને જણાવ્યું કે, રાજ્ય અમુક બાબતો પર જોર આપી રહ્યું છે, જેમ કે રાજ્યની સરહદોની પાર ગૌમાંસના ટ્રાન્સપોર્ટેશન વગેરે પર રોક. 

આસામમાં નવો કાયદો પાસ થયા બાદ મવેશીઓને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મારવા માટે નહીં લઈ જઈ શકાય. તેના પરિવહન પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે, જો કોઈ વ્યક્તિ કૃષિ ગતિવિધિઓ માટે લઈ જવા ઈચ્છે છે તો તેણે મંજૂરી લેવી પડશે. 

આસામના મુખ્યમંત્રી સરમાએ બિલ રજૂ કરતા કહ્યું કે, 'અમે કેટલીક વસ્તુઓ પ્રતિબંધિત કરવા ઈચ્છીએ છીએ જેમ કે, સરહદ પાર ગૌમાંસનું પરિવહન, મંદિર કે કોઈ હિંદુ ધાર્મિક સ્થળના લગભગ 5 કિમીના ક્ષેત્રમાં ગૌમાંસનું વેચાણ વગેરે. મવેશીઓનું સંરક્ષણ ધાર્મિક નહીં, વૈજ્ઞાનિક તર્ક છે.' સરમાએ એમ પણ કહ્યું કે, 1950ના મવેશી સંરક્ષણ કાયદામાં મવેશીઓના ટ્રાન્સપોર્ટેશન અને તેમનો ભોજનમાં ઉપયોગ વગેરેને રેગ્યુલેટ કરવા કાયદાકીય જોગવાઈઓનો અભાવ હતો. 

તેમણે આસામ વિધાનસભામાં જણાવ્યું કે, રાજ્યમાં અનેક કિલોમીટરના વિસ્તારો છે જ્યાં કોઈ મંદિર નથી અને 70-80,000ની વસ્તીઓમાં કોઈ હિંદુ નથી. એવું ન હોય કે, સાંપ્રદાયિક સૌહાર્દ જાળવી રાખવા માટે ફક્ત હિંદુ જ જવાબદાર હોય, મુસલમાનોએ પણ જવાબદારી લેવી પડશે. નવા કાયદા અંતર્ગત કોઈ પણ વ્યક્તિ ત્યાં સુધી મવેશીને નહીં મારી શકે જ્યાં સુધી તે સંબંધિત ક્ષેત્રના રજિસ્ટર્ડ પશુ ચિકિત્સા અધિકારી દ્વારા જારી કરવામાં આવતું મંજૂરી પ્રમાણ પત્ર ન મેળવી લે. 

બિલ પાસ થવું ઐતિહાસિકઃ મુખ્યમંત્રી

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ બિલ પાસ થયું તે ઘટનાને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, 'ઐતિહાસિક આસામ મવેશી સંરક્ષણ અધિનિયમ, 2021 પાસ થવા સાથે જ અમારા ચૂંટણી વચનને પૂરૂ કરવાનો ખૂબ જ આનંદ અને ગર્વ છે. મને વિશ્વાસ છે કે, તે પશુઓના ગેરકાયદેસર વેપાર અને ટ્રાન્સપોર્ટેશનને ભારે આંચકો આપશે. તે આપણી પરંપરામાં સદીઓથી પ્રચલિત મવેશીઓની ઉચિત દેખભાળને પણ સુનિશ્ચિત કરશે.'

વિપક્ષ પર સાધ્યું નિશાન

જે સમયે સદનમાં બિલ પાસ કરવામાં આવ્યું તે સમયે વિપક્ષે વોકઆઉટ કર્યું હતું. મુખ્યમંત્રી સરમાએ વિપક્ષ પર હુમલો કરતા કહ્યું કે, '30 દિવસની વચ્ચેનો સમય હતો. અમે સંશોધનો અંગે વિચાર કરવા તૈયાર હતા પરંતુ વિપક્ષ ઉચિત તથ્યો સાથે ન આવી શક્યું. આ બિલ 1950ના દશકાના અંતમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા સુધારા સિવાય બીજું કાંઈ નથી.' પરંતુ આજે બિલ પાસ થઈ ગયું એટલે હવેથી કોઈ પણ મંદિર-મઠના 5 કિમીના ક્ષેત્રમાં બીફનું વધ કે વેચાણ નહીં થઈ શકે.