×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તાલિબાને ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીનાં મોત અંગે કર્યો આ ખુલાસો

દોહા, 13 ઓગસ્ટ 2021 શુક્રવાર 

અફઘાનિસ્તાનમાં ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીનું ક્રોસ ફાયરિંગમાં મોત થયું હતું. તેમની ભૂલ એ હતી કે તેમણે રિપોર્ટિંગ માટે તાલિબાન પાસેથી પરવાનગી લીધી ન હતી. જો તેમણે તેમ કર્યું હોત તો અમે તેમને સુરક્ષા પૂરી પાડી હોત. તાલિબાનના પ્રવક્તાએ શુક્રવારે આ ખુલાસો કર્યો હતો.

કતારની રાજધાની દોહામાં તાલિબાનનાં રાજકીય કાર્યાલયના પ્રવક્તા મોહમ્મદ સોહેલ શાહીને મિડિયાને જણાવ્યું કે તાલિબાનોએ અફઘાનિસ્તાનના 90 ટકા ભાગ પર કબજો કરી લીધો છે. આ દરમિયાન જ્યારે તાલિબાનના પ્રવક્તાને પૂછવામાં આવ્યું કે શું તે ભારતને મિત્ર માને છે કે દુશ્મન. આ અંગે તેમણે કહ્યું કે આ પ્રશ્ન તમારે તમારી સરકારને પૂછવો જોઈએ કે શું તેઓ અમને મિત્ર માને છે કે દુશ્મન?

કોની ગોળીથી માર્યા ગયા તે કહી શકાય નહીં

આ વાતચીત દરમિયાન, પ્રવક્તાને કહેવામાં આવ્યું કે પુલિત્ઝર પુરસ્કાર વિજેતા દાનિશ સિદ્દીકીની તાલિબાન લડવૈયાઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી, તો તેમણે તરત જ તેનો ઇનકાર કર્યો. સોહેલ શાહીને કહ્યું કે તમે એમ ન કહી શકો કે તાલિબાન લડવૈયાઓએ તેને મારી નાખ્યો. તેઓએ અમારી પાસે રિપોર્ટિંગ માટેની મંજુરી કેમ ન લીધી? અમે એક વખત નહીં, પણ ઘણી વખત આની જાહેરાત કરી છે. પત્રકારોને કહ્યું કે તેઓએ અમારી પાસે આવવું જોઈએ. અમારી સાથે કો-ઓર્ડિનેટ કરો, અમે તેમને સુરક્ષા પૂરી પાડીશું.

તાલિબાન પ્રવક્તાએ વધુમાં કહ્યું કે તેના બદલે તે કાબુલમાં સુરક્ષા દળો સાથે મળી ગયા. ત્યાં કાંઇ જ જાણી શકાતુ ન હતું કે કોણ સુરક્ષા દળમાંથી છે, કે મિલિશિયામાંથી છે અથવા કોણ પત્રકાર છે. તે ક્રોસ ફાયરિંગમાં માર્યો ગયો હતો, તેથી તે કોની ગોળીએ મર્યો તે કહી શકાય નહીં. તાલિબાને દાનિશનાં શરીરને બર્બરતાપુર્વક વિકૃત કરાયું હોવાનો પણ ઇન્કાર કર્યો છે.