×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મમતા બેનરજીની પાર્ટીને રાહુલ ગાંધીના નેતૃત્વ સામે અણગમો, કેવી રીતે વિપક્ષો એક થશે?

નવી દિલ્હી,તા.13 ઓગસ્ટ 2021,શુક્રવાર

નરેન્દ્ર મોદી સામે મોરચો માંડવા માટે કોંગ્રેસના નેતૃત્વમાં 15 વિપક્ષી પાર્ટીઓ એક મંચ પર આવી છે અને તાજેતરમાં આ તમામ પાર્ટીઓની આગેવાની રાહુલ ગાંધી કરતા નજરે પડી રહ્યા છે.

જોકે ટીએમસીને રાહુલ ગાંધીના નેતૃત્વ સામે તકલીફ હોય તેમ લાગે છે. ગુરૂવારે વિરોધ પક્ષોના સાંસદોએ કરેલી માર્ચમાં પણ ટીએમસીના સાંસદો ગેરહાજર રહ્યા હતા અને આવુ પહેલા પણ થયુ છે.

મમતા બેનરજીની પાર્ટીએ રાહુલ ગાંધીના નેતૃત્વ સામે પોતાનો અણગમો આડકતરી રીતે વ્યક્ત કરેલો છે. હાલમાં બીજી પાર્ટીઓ મોદી સરકારને ટક્કર આપવા માટે એક થવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે ટીએમસીનો રાહુલ ગાંધીના નેતૃત્વને લઈને ખચકાટ સામે આવી રહ્યો છે.

ટીએમસી સાંસદ સૌગત રોયે કહ્યુ હતુ કે, અમારી પાર્ટી દરેક કાર્યક્રમમાં સામેલ થાય તે શક્ય નથી. તેમણે કહેવુ પડશે કે શું કાર્યક્રમ છે અને એ પછી અમારા નેતા સાથે વાત કર્યા બાદ તેમાં અમે ભાગ લઈશુ કે નહીં તે નક્કી થશે. અમે વિપક્ષની એકતા માટે કામ કરી રહ્યા છે. અમારા નેતા મમતા બેનરજી અને સોનિયા ગાંધી વચ્ચે 28 જુલાઈએ મુલાકાત થઈ ચુકી છે.

અગાઉ ટીએમસીએ એ તમામ કાર્યક્રમોમાં હાજર રહેવાનુ ટાળ્યુ છે જેમાં નેતાગીરી રાહુલ ગાંધી પાસે હોય. ગયા શુક્રવારે જંતર મંતર પર ટીએમસી નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષ પહોંચે તે પહેલા પહોંચી ગયા હતા. આ અંગે ટીએમસીના નેતાઓએ કહ્યુ  હતુ કે, અમારો કાર્યક્રમ તો મંગળવારથી નક્કી હતો અને અમે તે પ્રમાણે અહીંયા ખેડૂતોને મળવા માટે આવી ગયા છે.

સૌગત રોયનુ એવુ પણ કહેવુ છે કે, વિપક્ષી એકતા માટે કોંગ્રેસની જરૂર છે પણ તમામ નિર્ણયો કોંગ્રેસ કરી શક નહીં. સાથે લડવા માટે સ્વાગત છે પણ બધુ કોંગ્રેસના હિસાબે નહીં થાય.

ઉલ્લેખનીય છે કે, વિપક્ષી પાર્ટીઓની એક બેઠક 20 ઓગસ્ટે યોજાનારી છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી આ બેઠકનુ નેતૃત્વ કરે તેવી શક્યતા છે. જેમાં એનસીપીના શરદ પવાર, શિવસેનાના ઉધ્ધવ ઠાકરે, ડીએમકેના એમ કે સ્ટાલિન સામેલ થાય તેવી શક્યતા છે. આ બેઠકને મહત્વની માનવામાં આવી રહી છે.