×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગઝની શહેર પર તાલિબાનનો કબજો, અફઘાન સરકારની સત્તામાં ભાગીદારીની ઓફર

કાબુલ, 12 ઓગસ્ટ 2021 ગુરૂવાર

તાલિબાનને અફઘાનિસ્તાનની સત્તામાં ભાગ મળી શકે છે. અફઘાન સરકારના મધ્યસ્થીઓએ તાલિબાન સાથે શાંતિ મંત્રણા દરમિયાન તેમને આ ઓફર કરી છે. હિંસા રોકવાના બદલામાં અફઘાન સરકાર દ્વારા સત્તાની ભાગીદારીની દરખાસ્ત કરવામાં આવી છે. આ દરખાસ્ત અફઘાનિસ્તાને કતારમાં તાલિબાન સાથેની બેઠક દરમિયાન કરી હતી. સમાચાર એજન્સી એએફપીએ ગુરુવારે આ માહિતી આપી છે. "હા, સરકારે કતારને આ ઓફર કરી છે, જે તાલિબાન સાથે વાતચીતમાં મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યું છે." પ્રસ્તાવ હેઠળ તાલિબાનને ઓફર કરવામાં આવી છે કે જો તે હિંસા બંધ કરે તો તેને સરકારમાં હિસ્સો આપી શકાય છે.

અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી, તાલિબાન આક્રમક બન્યું છે અને અત્યાર સુધી હિંસાનાં દમ પર તેણે અફઘાનિસ્તાનનાં 34 માંથી 10 પ્રાંતોની રાજધાનીઓ કબજે કરી લીધી છે. ગુરુવારે તાલિબાને રાજધાની કાબુલથી માત્ર 150 કિલોમીટર દૂર આવેલા ગઝની શહેર પર કબજો કર્યો હતો. ત્યારથી, તાલિબાનો દેશ પર કબજો કરે તેવી આશંકા વધી છે. ગઝની, જેને કાબુલના પ્રવેશદ્વાર તરીકે જોવામાં આવે છે, તેના પર તાલિબાને કબજો કર્યા બાદથી અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી છે. અફઘાન સરકારનાં પ્રવક્તાએ પણ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, "દુશ્મનોએ શહેર પર કબજો જમાવી લીધો છે."

તાલિબાનોએ અફઘાનિસ્તાનનાં ઉત્તરી અને પશ્ચિમ ભાગો પર કબજો જમાવી લીધો છે. અને હવે તે દક્ષિણ તરફ આગળ વધી રહ્યો છે. અફઘાન સરકાર દ્વારા તાલિબાનને ઘણી વખત મંત્રણાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેઓએ તેનો ઇન્કાર કર્યો હતો. તાલિબાને કહ્યું કે કોઈ પણ વાતચીત ત્યારે જ થઈ શકે છે જ્યારે રાષ્ટ્રપતિ અશરફ ગની તેમના પદ પરથી રાજીનામું આપે. આ વર્ષે મે મહિનામાં વોશિંગ્ટનથી અમેરિકન દળોને પાછા ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી અફઘાનિસ્તાનમાં હિંસા નાટકીય રીતે વધી છે.