×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

EOS-3 સેટેલાઈટ લોન્ચિંગઃ અંતિમ મિનિટોમાં ઈસરોના મિશનને લાગ્યો ઝાટકો, ક્રાયોજેનિક એન્જિને બગાડ્યો ખેલ


- મિશન કંટ્રોલ સેન્ટરને રોકેટના ત્રીજા સ્ટેજમાં લાગેલા ક્રાયોજેનિક એન્જિનથી 6:29 મિનિટે સિગ્નલ અને આંકડા મળવા બંધ થઈ ગયા હતા

નવી દિલ્હી, તા. 12 ઓગષ્ટ, 2021, ગુરૂવાર

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા- ઈસરો 12 ઓગષ્ટની સવારે 5:45 કલાકે એક નવો ઈતિહાસ રચવાથી ચૂકી ગયું હતું. અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ (EOS-3) સાથે GSLV-F10 રોકેટે ઉડાન તો ભરી પરંતુ મિશન સમયથી 10 સેકન્ડ પહેલા જ ખરાબ થઈ ગયું. મિશન કંટ્રોલ સેન્ટરને રોકેટના ત્રીજા સ્ટેજમાં લાગેલા ક્રાયોજેનિક એન્જિનથી 6:29 મિનિટે સિગ્નલ અને આંકડા મળવા બંધ થઈ ગયા હતા. ત્યાર બાદ મિશન કંટ્રોલ સેન્ટરમાં વૈજ્ઞાનિકોના ચહેરા પર તણાવની રેખાઓ દેખાવા લાગી હતી. 

વૈજ્ઞાનિકોએ થોડા સમય સુધી આંકડાઓ મળે કે વધુ માહિતી મળે તે માટે રાહ જોઈ હતી. બાદમાં મિશન ડાયરેક્ટરે સેન્ટરમાં બેઠેલા ઈસરો ચીફ ડો. કે. સિવનને તમામ માહિતી આપી હતી. ત્યાર બાદ ઈસરો પ્રમુખે જણાવ્યું કે, ક્રાયોજેનિક એન્જિનમાં તકનિકી ખામી જાણવા મળી છે. આ કારણે મિશન સંપૂર્ણપણે સફળ નથી થઈ શક્યું. 

બાદમાં ઈસરોએ મિશન આંશિકરૂપે અસફળ રહ્યું હોવાની જાહેરાત કરી હતી. ઈસરો દ્વારા કરવામાં આવી રહેલું લાઈવ પ્રસારણ પણ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું હતું. જો આ મિશન સફળ થાત તો સવારે 10:30 કલાક આસપાસથી તે સેટેલાઈટ ભારતની તસવીરો લેવાનું શરૂ કરી દેત. આ લોન્ચ સાથે ઈસરોએ પહેલી વખત 3 કામ કર્યા હતા. પહેલું- સવારે 5:45 કલાકે સેટેલાઈટ લોન્ચ કર્યું, બીજું- જિયો ઓર્બિટમાં અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ સ્થાપિત કરવાનું હતું, ત્રીજું- ઓજાઈવ પેલોડ ફેયરિંગ એટલે કે મોટા ઉપગ્રહને અંતરિક્ષમાં મોકલવું. 

EOS-3ને જિયોસિંક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ-એફ 10 દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. આ રોકેટ 52 મીટર ઉંચુ અને 414.75 ટન વજન ધરાવે છે. તેમાં 3 સ્ટેજ હતા.