×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કિર્લોસ્કર બ્રધર્સમાં 130 વર્ષના વારસાને લઈ પારિવારિક વિવાદ


- 16 જુલાઈના રોજ અતુલ અને રાહુલ કિર્લોસ્કરની આગેવાનીવાળી 5 કંપનીઓએ પોતાના સંબંધિત કારોબાર માટે નવેસરથી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી હતી

નવી દિલ્હી, તા. 28 જુલાઈ, 2021, બુધવાર

હજારો કરોડ રૂપિયાનો કારોબાર ધરાવતા કિર્લોસ્કર બ્રધર્સ ગ્રુપમાં પારિવારિક વિવાદ શરૂ થઈ ગયો છે. સંજય કિર્લોસ્કરની અધ્યક્ષતાવાળી કિર્લોસ્કર બ્રધર્સ લિ. (કેબીએલ)એ લગાવેલા આરોપ પ્રમાણે તેમના ભાઈઓ અતુલ અને રાહુલની 4 કંપનીઓ તેમના 130 વર્ષના વારસાને છીનવવા અને જનતાને ગુમરાહ કરવા પ્રયત્ન કરી રહી છે.  

જોકે બીજા પક્ષે આ આરોપોને નકારી દીધા છે. પરિવારમાં વકરી રહેલા વિવાદ વચ્ચે કેબીએલ દ્વારા સેબીને પત્ર લખીને દાવો કરવામાં આવ્યો છે કે, કિર્લોસ્કર ઓઈલ એન્જિન્સ (કેઓઈએલ), કિર્લોસ્કર ઈન્ડસ્ટ્રીઝ લિ. (કેઆઈએલ), છીનવવાનો કે દબાવવાનો પ્રયત્ન કર્યો છે. 

કિર્લોસ્કર એક પ્રતિષ્ઠિત બ્રાંડ

સિંચાઈ માટે કામ આવનારા પંપ સેટ, પાણીની મોટર વગેરે માટે કિર્લોસ્કર એક પ્રતિષ્ઠિત બ્રાંડ છે. દેશ-વિદેશમાં તેના આશરે 14 કારખાના છે. કિર્લોસ્કર બ્રધર્સ આશરે 1.56 લાખ કરોડ રૂપિયાનું વેલ્યુએશન ધરાવતી કંપની છે. 

આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, તે સિવાય તેમણે કેબીએલના વારસાને પોતાના વારસા તરીકે દેખાડવા પ્રયત્ન કર્યો છે. આ અંગે સંપર્ક કરવા પર કિર્લોસ્કર ઈન્ડસ્ટ્રીઝ લિ.ના પ્રવક્તાએ જણાવ્યું કે, કેબીએલ દ્વારા સેબીને જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં અનેક પ્રકારની તથ્યાત્મક ભૂલો છે. પ્રવક્તાના કહેવા પ્રમાણે સંપૂર્ણ નિવેદનમાં કેબીએલનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. કિર્લોસ્કર બ્રધર્સના વારસાને છીનવવાનો પ્રયત્ન તો બહુ દૂરની વાત છે. 

શું છે તકલીફ

અગાઉ 16 જુલાઈના રોજ અતુલ અને રાહુલ કિર્લોસ્કરની આગેવાનીવાળી 5 કંપનીઓએ પોતાના સંબંધિત કારોબાર માટે નવેસરથી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ કંપનીઓ માટે નવી બ્રાંડ ઓળખ અને રંગોની જાહેરાત કરવામાં આવી હતી, સાથે જ નવો કિર્લોસ્કર લોગો પણ અપનાવવામાં આવ્યો હતો. આ જાહેરાત વખતે એવું કહેવામાં આવ્યું હતું કે, આ રંગ 130 વર્ષ જૂના નામના વારસાને દર્શાવે છે. 

કેબીએલ દ્વારા સેબીને આ અંગે વિરોધ દર્શાવતો પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, કેઓઈએલ, કેઆઈએલ, કેપીસીએલ અને કેએફઆઈએલની સ્થાપના ક્રમશ: 2009, 1978, 1974 અને 1991માં થઈ છે અને તેમનો વારસો 130 વર્ષ જૂનો નથી.