×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

UAE અને સાઉદી અરબ વચ્ચે ટકરાવ, હજી પણ વધી શકે છે પેટ્રોલ-ડિઝલના ભાવ

નવી દિલ્હી,તા.6 જુલાઈ 2021,મંગળવાર

પેટ્રોલ ડિઝલના ભાવ આકાશને આંબી રહ્યા છે ત્યારે તેમાં હાલમાં તો કોઈ રાહત મળે તેવા એંધાણ દેખાઈ રહ્યા નથી. તેનાથી પણ વધારે ખરાબ ખબર એ છે કે, આવનારા દિવસમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં હજી પણ વધારો થશે.

કારણકે સાઉદી અરબ અને યુએઈમાં એક ડીલને લઈને મડાગાંઠ સર્જાઈ છે. જેની અસર ઓઈલના ભાવ પર પડી રહી છે. સોમવારે પેટ્રોલની કિંમતમાં 35 પૈસાનો વધારો થયો હતો.

યુએઈએ રવિવારે ઓઈલ ઉત્પાદક દેશોના ગ્રૂપ ઓપેક તેમજ સહયોગી દેશો દ્વારા ઓઈલના પ્રોડક્શનમાં કાપ મુકવાના કરારનુ વિસ્તરણ કરવાનો વિરોધ કર્યો છે. બીજી તરફ સાઉદી અરબે આ ડીલને 2022 સુધી આગળ વધારવાનો પ્રસ્તાવ મુક્યો છે. યુએઈ આ પ્રસ્તાવને પોતાની સાથે અન્યાય તરીકે ગણાવ્યો છે.

યુએઈ ઓઈલનુ ઉત્પાદન વધારવા માંગે છે જેથી તે સાઉદી અરબ સાથે સ્પર્ધા કરી શકે. યુએઈનુ માનવુ છે કે, માર્કેટને જોતા વધારે ઉત્પાદન જરૂરી છે. ગયા વર્ષે કોરોનાના કારણે ઓઈલની વૈશ્વિક માંગમાં કમી આવી હતી. તેને બેલેન્સ કરવા માટે ઓઈલ ઉત્પાદન કરનારા દેશોએ ઉત્પાદનમાં કાપ મુકવા માટે કરાર કર્યો હતો.

જોકે રવિવારે યોજાયેલી ઓપેકમાં સામેલ દેશો અને સહયોગી દેશોની બેઠકમાં કોઈ ચોક્કસ નિર્ણય લઈ શકાયો નથી. ઓગસ્ટથી ઓક્ટોબર દરમિયાન ઓઈલનુ ઉત્પાદન વધારવા માટે પણ સંમતિ સધાઈ નથી. હવે સંગઠનની આગામી બેઠક ક્યારે યોજાશે તેનો પણ ખુલાસો થયો નથી. જેનાથી ઓઈલ માર્કેટમાં નેગેટિવ મેસેજ ગયો છે. જેના પરિણામે ઓઈલના ભાવમાં તેજી જોવા મળી છે. હાલમાં ઓઈલની કિંમત પ્રતિ બેરલ 77 ડોલર છે. જે 2018 બાદ સૌથી ઉંચી સપાટીએ છે. કેટલીક બેન્કોનુ અનુમાન છે કે, ઓઈલની કિંમત પ્રતિ બેરલ 80 ડોલર પણ પહોંચી શકે છે.

ઓઈલના ભાવમાં વધારો થઈ રહ્યો હોવાથી કેટલાક રાજ્યોમાં તો પેટ્રોલનો ભાવ પહેલા જ પ્રતિ લિટર 100 રૂપિયા સુધી પહોંચી ચુક્યો છે. હાલમાં પેટ્રોલ પર 32.98 રૂપિયા અને ડિઝલ પર 28.35 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી સરકાર વસુલી રહી છે. જેનાથી સરકારની કમાણી વધી રહી છે પણ આમ આદમી હેરાન પરેશાન છે. 36 દિવસમાં પેટ્રોલના ભાવોમાં પ્રતિ લિટર 9.54 રૂપિયાનો વધારો થઈ ચુકયો છે.