×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાષ્ટ્ર વિધાનસભામાં હોબાળો, સ્પીકર સામે અપશબ્દો અને ગેરવર્તણૂકના આરોપસર ભાજપના 12 ધારાસભ્યો સસ્પેન્ડ


- વિપક્ષનો આરોપ છે કે, કાર્યવાહક સ્પીકર ભાસ્કર જાધવે બોલવા માટે પૂરતો સમય ન આપ્યો

નવી દિલ્હી, તા. 05 જુલાઈ, 2021, સોમવાર

મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન ઓબીસી આરક્ષણ મુદ્દે સ્પીકરની ખુરશી પર બિરાજમાન ભાસ્કર જાધવ સાથે ગેરવર્તણૂક કરવાના આરોપસર ભારતીય જનતા પાર્ટીના 12 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કાર્યવાહક સ્પીકર ભાસ્કર જાધવે સદનને સમજાવ્યું કે, જ્યારે સદન સ્થગિત થયું ત્યારે ભાજપના નેતા તેમની કેબિનમાં આવ્યા તથા વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ અને વરિષ્ઠ નેતા ચંદ્રકાંત પાટિલની હાજરીમાં તેમને અપશબ્દો કહેવામાં આવ્યા. કાર્યવાહક સ્પીકર ભાસ્કર જાધવે સંસદીય મામલાઓના મંત્રીને આ મુદ્દે તપાસ કરવા કહ્યું છે. 

આ તરફ વિપક્ષે એવો પણ આરોપ લગાવ્યો કે, કાર્યવાહક સ્પીકર ભાસ્કર જાધવે વિપક્ષી દળોના નેતાને પણ અપશબ્દ કહ્યા. હકીકતે બે દિવસીય ચોમાસુ સત્રના પહેલા દિવસે ઓબીસી અનામત મુદ્દે વિપક્ષે સદનમાં હંગામો મચાવ્યો હતો. વિપક્ષનો આરોપ છે કે, કાર્યવાહક સ્પીકર ભાસ્કર જાધવે બોલવા માટે પૂરતો સમય ન આપ્યો. વિપક્ષે કાર્યવાહીનો બહિષ્કાર કર્યો. 

શું છે સમગ્ર કેસ

વિધાનસભાએ સોમવારે એક પ્રસ્તાવ પાસ કર્યો હતો જેમાં કેન્દ્ર પાસે 2011ની વસ્તી ગણતરીના આંકડા ઉપલબ્ધ કરવા વિનંતી કરવામાં આવી હતી જેથી રાજ્ય પછાત વર્ગ આયોગને ઓબીસી વસ્તીના ડેટા તૈયાર કરવા સક્ષમ બનાવી શકાય અને સ્થાનિક સંસ્થાઓમાં રાજકીય અનામત લાગુ કરી શકાય. 

એનસીપી નેતા અને રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી છગન ભૂજબળ દ્વારા રજૂ કરવામાં આવેલા આ પ્રસ્તાવને ભાજપના સદસ્યોના હંગામા વચ્ચે પાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ભાજપના સદસ્યો સદનની વેલમાં આવી ગયા હતા અને રાજ્ય સરકાર વિરૂદ્ધ નારેબાજી કરવા લાગ્યા હતા. વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે આ પ્રસ્તાવને રાજકારણથી પ્રેરિત ગણાવ્યો હતો. 

શિવસેના-એનસીપી દ્વારા ભાજપ પર આરોપ

શિવસેનાના નેતા સુનીલ પ્રભુ અને એનસીપી નેતા નવાબ મલિકે આરોપ લગાવ્યો હતો કે, ભાજપના સદસ્યોએ કાર્યવાહક સ્પીકર સાથે દુર્વ્યવહાર કર્યો અને અધ્યક્ષ કક્ષમાં તેમના સાથે મારપીટ કરી. તેમના કહેવા પ્રમાણે તેમના વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઈએ. ત્યાર બાદ ડેપ્યુટી સ્પીકર નરહરિ જિરવાલે સદનને 15 મિનિટ માટે સ્થગિત કર્યું હતું.