×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'આ નફરત હિંદુત્વની દેન છે…' મોહન ભાગવતના નિવેદન પર અસદુદ્દીન ઓવૈસીનો પલટવાર


- કાયરતા, હિંસા અને કતલ કરવી તે ગોડસેની હિંદુત્વવાળી વિચારધારાનો અતૂટ હિસ્સો છે, મુસ્લિમોનું લિન્ચિંગ પણ આ વિચારધારાનું જ પરિણામ છેઃ ઓવૈસી

નવી દિલ્હી, તા. 05 જુલાઈ, 2021, સોમવાર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પ્રમુખ મોહન ભાગવત દ્વારા હિંદુત્વ અને લિન્ચિંગને લઈને આપવામાં આવેલા નિવેદન પર એક નવો વિવાદ જાગ્યો છે. AIMIM પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે સવારે મોહન ભાગવતના નિવેદનને લઈ ટિપ્પણી કરી હતી. ઓવૈસીએ ટ્વીટમાં લખ્યું હતું કે, નફરત હિંદુત્વની દેન છે, આ ગુનેગારોને હિંદુત્વવાદી સરકારનો સમર્થિત આશ્રય મળેલો છે. 

અસદુદ્દીન ઓવૈસીએ તબક્કાવાર ટ્વીટમાં લખ્યું હતું કે, આરએસએસના ભાગવતે કહ્યું લિન્ચિંગ કરનારા હિંદુત્વવિરોધી છે. આ ગુનેગારોને ગાય અને ભેંસ વચ્ચેનો તફાવત ખબર નહીં હોય પરંતુ કતલ કરવા માટે જુનૈદ, અખલાક, પહલૂ, રકબર, અલીમુદ્દીનના નામ જ કાફી હતા. 

ઓવૈસીએ લખ્યું હતું કે, આ નફરત હિંદુત્વની દેન છે. આ ગુનેગારોને હિંદુત્વવાદી સરકારનો સમર્થિત આશ્રય મળેલો છે. કેન્દ્રીય મંત્રીના હાથે અલીમુદ્દીનના કાતિલોને ફૂલ આપવામાં આવે છે, અખલાકના હત્યારાની લાશ પર તિરંગો લગાવવામાં આવે છે. 

વધુમાં લખ્યું હતું કે, આસિફને મારનારાના સમર્થનમાં મહાપંચાયત બોલાવવામાં આવે છે, જ્યાં ભાજપના પ્રવક્તા પુછે છે કે, 'શું અમે મર્ડર પણ ન કરી શકીએ?' કાયરતા, હિંસા અને કતલ કરવી તે ગોડસેની હિંદુત્વવાળી વિચારધારાનો અતૂટ હિસ્સો છે, મુસ્લિમોનું લિન્ચિંગ પણ આ વિચારધારાનું જ પરિણામ છે. 

દિગ્વિજય સિંહે પણ કરી ટિપ્પણી

કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહે પણ મોહન ભાગવતના નિવેદન અંગે ટિપ્પણી કરી હતી. દિગ્વિજય સિંહે ટ્વીટમાં લખ્યું હતું કે, મોહન ભાગવત જી શું તમે તમારા શિષ્યો, પ્રચારકો, વિશ્વ હિંદુ પરિષદ/બજરંગ દળના કાર્યકરોને પણ આ વિચાર આપશો? શું તમે મોદી-શાહજી અને ભાજપના મુખ્યમંત્રીને પણ આ શિક્ષણ આપશો? જો તમે તમારા વ્યક્ત કરેલા વિચારો પ્રત્યે ઈમાનદાર છો તો ભાજપમાં એ બધા નેતાઓ જેમણે નિર્દોષ મુસ્લિમોને હેરાન કર્યા છે તેમને તેમના પદથી દૂર કરવા તાત્કાલિક નિર્દેશ આપો.