×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ફિલીપાઈન્સમાં મિલિટ્રીનું પ્લેન ક્રેશ, 17ના મોત, 40ને બચાવી લેવાયા


-  પ્લેન સુલુ પ્રાંતમાં જોલો દ્વીપ પર ઉતરવા માટે પ્રયત્ન કરી રહ્યું હતું તે સમયે ક્રેશ થયું હતું

નવી દિલ્હી, તા. 04 જુલાઈ, 2021, રવિવાર

ફિલીપાઈન્સ ખાતે રવિવારે મિલિટ્રીનું એક પ્લેન ક્રેશ થઈ ગયું હતું. વિમાને 92 સૈનિકોને લઈને કાગાયન ડી ઓરો સિટી ખાતેથી ઉડાન ભરી હતી. સી-130 પ્લેનમાં આગ લાગવાના કારણે ભારે મોટી દુર્ઘટના બની હતી જેમાં 17 સૈનિકોના મોત થયા છે. તે સિવાય પ્લેનમાં સવાર 40 સૈનિકોને બચાવી લેવામાં આવ્યા છે. 

સેના પ્રમુખનું નિવેદન

સેના પ્રમુખ જનરલ સિરિલિટો સોબેજાનાએ જણાવ્યું કે, સી-130ના સળગી રહેલા કાટમાળમાંથી અત્યાર સુધીમાં 40 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સુલુ પ્રાંતના જોલો દ્વીપ પર ઉતરતી વખતે તે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પ્લેનના કાટમાળમાંથી અત્યાર સુધીમાં 17 જવાનોના શબ બહાર કાઢવામાં આવ્યા છે અને ખૂબ જ ઝડપથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવેલું છે. 

દુર્ઘટનાનું કારણ

સોબેજાનાએ જણાવ્યું કે, વિમાન દક્ષિણી કાગાયન ડી ઓરો શહેરમાંથી સૈનિકોને લઈને જઈ રહ્યું હતું પરંતુ તે રનવે પરથી ચૂકી ગયું અને દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. પ્લેન સુલુ પ્રાંતમાં જોલો દ્વીપ પર ઉતરવા માટે પ્રયત્ન કરી રહ્યું હતું તે સમયે ક્રેશ થયું હતું. 

સુલુ પ્રાંતમાં આવેલા જોલો દ્વીપ પર ઉતરાણનો પ્રયત્ન કરતી વખતે વિમાનમાં આગ લાગી ગઈ હતી. જમીન પર પડ્યા બાદ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું અને તેમાં સવાર લોકો દુર્ઘટનાનો ભોગ બન્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અનેક દશકાઓથી સરકારી દળ સુલુના મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રાંતમાં અબૂ સય્યાફના ચરમપંથિઓ સામે ઝઝૂમી રહ્યા છે. જોકે સૈન્ય પ્રવક્તા કર્નલ એડગાર્ડ અરેવલોના કહેવા પ્રમાણે વિમાન પર કોઈ પણ પ્રકારના હુમલાના કોઈ સંકેત નથી મળ્યા. આ દુર્ઘટનાની તપાસ કરવામાં આવશે પરંતુ હાલ બચાવ અને ઉપચાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.