×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ટ્વીટર ઈન્ડિયાના MD મનીષ માહેશ્વરી વિરૂદ્ધ વધુ એક ફરિયાદ, હિંદુ દેવીના અપમાનનો આરોપ


- ભારતના ખોટા નકશા સાથે સંકળાયેલા મુદ્દે પણ ટ્વિટર વિરૂદ્ધ કેસ નોંધાઈ ચુક્યો છે

નવી દિલ્હી, તા. 04 જુલાઈ, 2021, રવિવાર

ટ્વીટર ઈન્ડિયાના એમડી મનીષ માહેશ્વરી વધુ એક મુસીબતમાં ફસાયા છે અને દિલ્હીમાં તેમના વિરૂદ્ધ વધુ એક ફરિયાદ નોંધાવાઈ છે. ટ્વીટર ઈન્ડિયાના એમડી અને એક બિનનફાકારી સંગઠન વિરૂદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપસર દિલ્હી પોલીસ સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવાઈ છે. 

હકીકતે નવા આઈટી નિયમોને લઈ ટ્વીટર અને સરકાર વચ્ચે રસાકસી ચાલી રહી છે. આ બધા વચ્ચે ટ્વીટરની મુશ્કેલીઓ વધી રહી છે. વકીલ આદિત્ય સિંહ દ્વારા નોંધાવાયેલી ફરિયાદમાં ટ્વીટર ઈન્ડિયાના એમડી મનીષ માહેશ્વરી ઉપરાંત રિપબ્લિક એથિસ્ટના સંસ્થાપક વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવવાની માગણી કરાઈ છે. 

ટ્વીટર ઈન્ડિયાના એમડી મુશ્કેલીમાં 

માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ટ્વીટર વિરૂદ્ધ એક નવી ફરિયાદ નોંધાવાઈ છે. વકીલ આદિત્ય સિંહે ટ્વીટર ઈન્ડિયા, મનીષ માહેશ્વરી અને એથિસ્ટ રિપબ્લિક વિરૂદ્ધ મા કાલીના આપત્તિજનક કન્ટેન્ટને લઈને નવી દિલ્હી ખાતે ફરિયાદ નોંધાવી છે. 

વકીલે હિંદુ દેવીની તસવીરવાળી એક પોસ્ટનો હવાલો આપીને કહ્યું હતું કે, ટ્વીટર યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી સામગ્રી અપમાનજનક હોવાની સાથે સમાજમાં દ્વેષ, શત્રુતા અને દુર્ભાવના પેદા કરનારી છે. ત્યાર બાદ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી દીધી હતી. આ કેસમાં ટૂંક સમયમાં જ એફઆઈઆર નોંધાવવામાં આવે તેવી શક્યતા છે. 

અગાઉ પણ ગાઝિયાબાદમાં વાયરલ થયેલા એક વીડિયોને લઈ ટ્વીટર ઈન્ડિયા અને તેના અધિકારીઓ વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવાઈ ચુકી છે. કર્ણાટક હાઈકોર્ટ દ્વારા મનીષ માહેશ્વરીને વચગાળાની રાહત અપાઈ ત્યાર બાદ આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારતના ખોટા નકશા સાથે સંકળાયેલા મુદ્દે પણ ટ્વિટર વિરૂદ્ધ કેસ નોંધાઈ ચુક્યો છે.