×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

28 વર્ષ બાદ ભારત-પાક સરહદ પર ખેતી કરી શકશે રાજસ્થાનના ખેડૂતો, માનવી પડશે આ શરતો


- ખેતી માટે ખેડૂતોને સવારે 9:00 કલાકે એન્ટ્રી આપવામાં આવશે અને સાંજે 5:00 કલાકે સઘન ચેકિંગ બાદ પરત ફરવા દેવામાં આવશે

નવી દિલ્હી, તા. 04 જુલાઈ, 2021, રવિવાર

હવે પંજાબની માફક ભારત-પાકિસ્તાન સરહદ પર રાજસ્થાનના ખેડૂતો પણ ખેતી કરી શકશે. સીમા સુરક્ષા દળે ખેતી માટે મંજૂરી આપવાની વાત કરી છે. બાડમેર સેક્ટરના ડીઆઈજીએ થોડા દિવસ પહેલા ચૌહટનના સરલા વિસ્તારમાં ખેડૂતો સાથે વાતચીત કરી હતી. સીમા સુરક્ષા દળે ખેતી માટે ખોલવામાં આવનારી સરહદ પર નવા ગેટ લગાવડાવ્યા છે. 28 વર્ષ બાદ અહીંના ખેડૂતો ફરીથી પોતાના ખેતરોમાં ખેતી કરી શકશે.

એવા અનેક ખેડૂતો છે જેમની 80 ટકા જમીન તારબંદી અને જીરો પોઈન્ટની વચ્ચે છે. 28 વર્ષ વીતવા છતાં ન તો આ ખેડૂતોને વળતર મળ્યું છે કે ન તેમને ખેતી કરવા દેવામાં આવે છે. તેને લઈ ખેડૂતો સતત માગણી કરી રહ્યા હતા. 2013માં હાઈકોર્ટે એક ચુકાદામાં કહ્યું હતું કે, ખેડૂતોને વળતર આપો અથવા તો ખેતી કરવા દો. ત્યારે છેક હવે સીમા સુરક્ષા દળે ખેડૂતોને ખેતી કરવાનો અધિકાર આપ્યો છે. 

જાણવા મળ્યા મુજબ 1992ના વર્ષમાં આ રીતે પ્રભાવિત થયેલા ખેડૂતોની સંખ્યા 1959 જેટલી હતી. પરંતુ હવે પ્રભાવિત ખેડૂતોની સંખ્યા વધીને 10 હજાર જેટલી થઈ ગઈ છે. સરહદ પર રામસર સેડવા ચૌહટન ગડરા વિસ્તારના ખેડૂતો પ્રભાવિત થયા છે. જે ખેડૂતોના ખેતરો તારબંદી અને ઝીરો ફેન્સિંગ પાસે આવેલા છે તેમણે પાસ બનાવવા માટે સરહદી ચોકીઓમાં પોતાના જમાબંદી અને આઈડી કાર્ડ જમા કરાવવા પડશે. ત્યાર બાદ બીએસએફ દ્વારા તેમને ફોટા સાથેનું આઈડી કાર્ડ આપવામાં આવશે. 

બાડમેર સેક્ટરના ડીઆઈજી વિનીત કુમારે જણાવ્યું કે, 'જીરો પોઈન્ટ પર ખેડૂતો સતત માગણી કરી રહ્યા હતા. મેં ખેડૂતો સાથે બેઠક કરીને આ નિર્ણય લીધો છે કે, ખેડૂતો હવે જીરો પોઈન્ટ પર પોતાની ખેતી કરી શકશે.'

સમયની પાબંદી

ખેતી માટે ખેડૂતોને સવારે 9:00 કલાકે એન્ટ્રી આપવામાં આવશે અને સાંજે 5:00 કલાકે સઘન ચેકિંગ બાદ પરત ફરવા દેવામાં આવશે. ખેડૂતો 8 કલાક સુધી પોતાના ખેતરોમાં ખેતી કરી શકશે. મહિલાઓને પણ ખેતી માટે જવાની છૂટ આપવામાં આવી છે અને તે માટે સીમા સુરક્ષા બળ અલગથી બ્લૂ પીસ પર રૂમ તૈયાર કરાવી રહી છે. 

1992માં થઈ હતી તારબંદી

રાજસ્થાનને અડીને આવેલી ભારત-પાકિસ્તાનની સરહદ પર 1992ના વર્ષમાં સીમા સુરક્ષા દળે તારબંદી કરી હતી. ત્યાર બાદ ખેડૂતો સતત પોતાની જમીન પર ખેતી કરવા દેવાની માગણી કરી રહ્યા હતા.