×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈન્દિરા કાળની ઈમરજન્સીની અંતિમ નિશાની, જેને 44 વર્ષ બાદ મોદી-શાહે બનાવી દીધો ઈતિહાસ


- જમ્મુ કાશ્મીર દેશનું એક માત્ર એવું રાજ્ય હતું જ્યાં 1975ના વર્ષથી વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષનો ચાલ્યો આવતો હતો

નવી દિલ્હી, તા. 25 જૂન, 2021, શુક્રવાર

આજથી 46 વર્ષ પહેલા આજના દિવસે જ ઈન્દિરા ગાંધીએ દેશમાં ઈમરજન્સી એટલે કે કટોકટી લાગુ કરી હતી. 25 જૂન, 1975ના રોજ ઈમરજન્સીની જાહેરાત સાથે જ તમામ નાગરિકોના મૌલિક અધિકારો ખતમ કરી દેવામાં આવ્યા હતા અને અનેક મનસ્વી નિર્ણયો લેવામાં આવ્યા હતા. આવો જ એક નિર્ણય હતો સંસદ અને વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષનો કરવાનો નિર્ણય. જાણીને નવાઈ લાગશે કે, ઈન્દિરા ગાંધીનો આ નિર્ણય 2019ના વર્ષ સુધી જે પ્રદેશમાં લાગુ હતો તેનું નામ છે જમ્મુ-કાશ્મીર. 

જમ્મુ કાશ્મીર દેશનું એક માત્ર એવું રાજ્ય હતું જ્યાં 1975ના વર્ષથી વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષનો ચાલ્યો આવતો હતો. પરંતુ 5 ઓગષ્ટ, 2019ના રોજ જમ્મુ કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળ્યો ત્યાર બાદ હવે વિધાનસભાનો કાર્યકાળ દેશના બાકીના રાજ્યોની જેમ 5 વર્ષનો થઈ ગયો છે. આ રીતે કટોકટીની અંતિમ નિશાની સમાન 6 વર્ષની વિધાનસભા 2019માં ઈતિહાસનો હિસ્સો બનીને રહી ગઈ. 

બંધારણ સંશોધન દ્વારા લંબાવાયો કાર્યકાળ

તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ 1975માં કટોકટી લાગુ કર્યા બાદ બંધારણમાં 42મું સંશોધન સંસદ અને રાજ્યની વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષનો કરી દીધો હતો. શેખ મોહમ્મદ અબ્દુલ્લા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી હતા. જોકે તે કોંગ્રેસના સહયોગથી મુખ્યમંત્રી બન્યા હતા. આ કારણે શેખ અબ્દુલ્લાએ ઈન્દિરા ગાંધીના પદ ચિહ્નો પર ચાલીને રાજ્યની વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષનો કરી દીધો હતો. 

શેખ અબ્દુલ્લાએ તે સમયે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીર પણ સમગ્ર હિંદુસ્તાનની સાથે ચાલશે. તે હિંદુસ્તાનની મુખ્યધારામાં છે માટે બંધારણ સંશોધન દ્વારા વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષનો કરી દેવાયો છે. 1977ના વર્ષમાં કટોકટી દૂર કરવામાં આવી ત્યાર બાદ મોરારજી દેસાઈના નેતૃત્વમાં બનેલી જનતા પાર્ટીની સરકારે ઈન્દિરા ગાંધીના તમામ નિર્ણયો પલટી દીધા હતા. તેના અંતર્ગત મોરારજી દેસાઈએ સંસદ અને વિધાનસભાનો કાર્યકાળ ફરી 5 વર્ષ માટેનો કરી દીધો હતો પરંતુ જમ્મુ કાશ્મીરમાં કોઈ ફેરફાર નહોતો કરાયો. આ કારણે 44 વર્ષ સુધી ત્યાં 6 વર્ષનો કાર્યકાળ ચાલ્યો હતો.

પૈંથર્સ પાર્ટીના હર્ષદેવ સિંહે 1996માં કટોકટીની આ નિશાની દૂર કરવા અને વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષનો કરવા પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળતા નહોતી મળી. 5 ઓગષ્ટ, 2019ના રોજ જ્યારે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 ઈતિહાસ બની ગઈ તો વિધાનસભાનો 6 વર્ષનો કાર્યકાળ પણ દૂર થઈ ગયો હતો.