×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગૂગલ અને જિઓ ભારતમાં લોન્ચ કરશે દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન, રિલાયન્સ AGMમાં જાહેરાત

નવી દિલ્હી,તા.24 જૂન 2021,ગુરૂવાર

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આજે મળેલી એજીએમમાં ચેરમેન મુકેશ અંબાણીએ આગામી દિવસોમાં રિલાયન્સ જિઓ અને ગૂગલની પાર્ટનરશિપનુ એલાન કર્યુ હતુ.

મુકેશ અંબાણીએ કહ્યુ હતુ કે, આગામી દિવસોમાં જિઓ અને ગૂગલ દ્વારા નવો અને સસ્તો સ્માર્ટફોન જિઓ નેક્સટ લોન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોન જિઓ તેમજ ગૂગલના ફિચર સાથે સજ્જ હશે. ફોનની ઓપરેટિંગ સિસ્ટમ ગૂગલ અને જિઓએ સંયુક્ત રીતે ડેવલપ કરેલી છે. આ સ્માર્ટફોન દરેક માણસના ગજવાને પરવડે તે રીતે બનાવવામાં આવ્યો છે. તેની કિંમત સાવ ઓછી હશે અને 10 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસે ફોનને લોન્ચ કરવામાં આવશે.

આ ફોનને વિશેષ રીતે ભારતીય માર્કેટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. તેના પર યુઝર્સ પ્લે સ્ટોર પરથી પણ એપ્સ ડાઉનલોડ કરી શકશે. સ્માર્ટફોનમાં સારી ક્વોલિટિનો કેમેરા પણ હશે અને નિયમિત રીતે એન્ડ્રોઈડ અપડેટ પણ મળશે. મુકેશ અંબાણીએ કહ્યુ હતુ કે, આ ફોન ભારતનો જ નહીં પણ દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન હશે.

ઉલ્લેખનીય છે કે, ગૂગલ સાથે ગયા વર્ષે જ રિલાયન્સ જિઓએ પાર્ટનરશિપ કરી હતી. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યુ હતુ કે, અમારી પાર્ટરનશિપનુ આગળનુ પગલુ એક નવા અને સસ્તા ફોન સાથે ભરવામાં આવ્યુ છે. આ ફોન ભારતને ધ્યાનમાં રાખીને બનાવાયો છે. લાખો નવા યુઝર્સ માટે તે શક્યતાઓના નવા દરવાજા ખોલશે. તેનાથી એક અબજ કરતા વધારે ભારતીયોને ઈન્ટરનેટ સાથે જોડવામાં મદદ મળશે. ભારતના ડિજિડલાઈઝેશનનો નવો યુગ તેનાથી શરૂ થશે.

મુકેશ અંબાણીએ કહ્યુ હતુ કે, ફાઈવ જી સિસ્ટમ વિકસિત કરવા માટે તેમજ ફાઈવ જી ઈક્વિપમેન્ટ લોન્ચ કરવા માટે અમે વૈશ્વિક ભાગીદારો સાથે કામ કરી રહ્યા છે. રિલાયન્સ જિઓ ડેટાના વપરાશના મામલે દુનિયાનુ બીજી નંબરનુ નેટવર્ક બની ગયુ છે. જિઓના યુઝર્સ દર મહિને 630 કરોડ જીબી ડેટા વાપરે છે. જે ગયા વર્ષ કરતા 45 ટકા વધારે છે.

જોકે તેમણે હાલમાં ફોનની કિંમતનો ખુલાસો કર્યો ન હતો પણ કહ્યુ હતુ કે, તેની કિંમત સાવ ઓછી રાખવામાં આવશે. જિઓફોન નેક્સટ ગેમ ચેન્જર સાબિત થશે. હાલમાં જેઓ ટુજી મોબાઈલ વાપરી રહ્યા છે તેવા 30 કરોડ લોકો માટે આ ફોન ઉપયોગી થશે.