×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જમ્મુ કાશ્મીરઃ સર્વદળીય બેઠક પહેલા મેહબુબા મુફ્તી વિરૂદ્ધ ડોગરા ફ્રંટનું પ્રદર્શન


- ડોગરા ફ્રંટના કાર્યકરોએ મેહબુબા મુફ્તી પાકિસ્તાનની ભાષા બોલતી હોવાનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી, તા. 24 જૂન, 2021, ગુરૂવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે એટલે કે ગુરૂવારે બપોરે યોજાનારી જમ્મુ કાશ્મીરના નેતાઓની સર્વદળીય બેઠક પહેલા જમ્મુમાં ડોગરા ફ્રંટ મેહબુબા મુફ્તી વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યું છે. પ્રદર્શન કરી રહેલા લોકોએ પીડીપી પ્રમુખ વિરૂદ્ધ નારેબાજી કરી હતી. ઉલ્લેખનીય છે કે, સર્વદળીય બેઠકને લઈ મેહબુબા મુફ્તીએ ગુપકાર ગઠબંધનના નેતાઓ સાથે બેઠક બાદ જમ્મુ કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે વાત કરવાની વકીલાત કરી હતી. તેમના આ નિવેદન બાદ પ્રદેશમાં તેમના વિરૂદ્ધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. 

પીડીપી અધ્યક્ષ મેહબુબા મુફ્તીના જમ્મુ કાશ્મીરના નેતાઓની સાથે સાથે પાકિસ્તાન સાથે વાતચીત કરવાના નિવેદન મુદ્દે ડોગરા ફ્રંટ પ્રદર્શન કરી રહ્યું છે. પ્રદર્શનમાં મેહબુબા ઉપરાંત ઉમર અબ્દુલ્લા અને પાકિસ્તાન વિરૂદ્ધ પણ નારેબાજી થઈ રહી છે. ડોગરા ફ્રંટના કાર્યકરોએ મેહબુબા મુફ્તી પાકિસ્તાનની ભાષા બોલતી હોવાનો આરોપ લગાવ્યો હતો અને તેમના વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી હતી.

અગાઉ પ્રદેશ ભાજપના અધ્યક્ષ રવીન્દ્ર રૈનાએ કહ્યું હતું કે, પાકિસ્તાન સાથે જમ્મુ કાશ્મીર મુદ્દે વાતચીત સંભવ નથી. પાકિસ્તાનમાં આતંકવાદીઓની પ્રશિક્ષણ શિબિર આવેલી છે માટે મેહબુબા મુફ્તીની પાકિસ્તાન સાથે વાતચીત શરૂ કરવાની માગ કદી પૂરી ન થઈ શકે. 

ઉલ્લેખનીય છે કે, ગુપકાર ગઠબંધનના અધ્યક્ષ ડૉ. ફારૂક અબ્દુલ્લા પણ વડાપ્રધાન સાથેની બેઠકમાં કલમ 370 અને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માગ કરવામાં આવશે તેમ કહી ચુક્યા છે.