×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એન્ટીવાયરસ કંપની મૈકેફીના ફાઉન્ડરે જેલમાં લગાવી ફાંસી, લાગ્યો હતો ટેક્સ ચોરી અને છેતરપિંડીનો આરોપ


- મૈકેફી નાસા, જિરૉક્સ, લૉકહીડ માર્ટિન જેવી સંસ્થાઓ સાથે કામ કરી ચુક્યા હતા

નવી દિલ્હી, તા. 24 જૂન, 2021, ગુરૂવાર

અમેરિકી ટેક્નોલોજી એન્ટરપ્રેન્યોર અને એન્ટીવાયરસના ગુરૂ ગણાતા જૉન મૈકેફીએ બુધવારે પોતાના પ્રિઝન સેલ એટલે કે જેલની કોટડીમાં ફાંસી લગાવી લીધી હતી. તેમના વકીલ જેવિયર વિલાલબાસે જણાવ્યું કે, સ્પેનની કોર્ટે જૉન મૈકેફીને સંયુક્ત રાજ્ય અમેરિકામાં પ્રત્યાર્પણની મંજૂરી આપી દીધી હતી અને તેના બાદ તેમણે આ પગલું ભર્યું હતું. 

જૉન મૈકેફી પાસે પોતાના ઉપર લાગેલા આરોપો વિરૂદ્ધ અપીલ કરવાનો વિકલ્પ હતો પરંતુ તેઓ જેલમાં વધુ દિવસ રહી ન શક્યા. જેલ પ્રશાસન હાલ તેમના મૃત્યુના કારણને શોધવા પ્રયત્ન કરી રહ્યું છે. 1987માં વિશ્વનું પ્રથમ કોમર્શિયલ એન્ટીવાયરસ લોન્ચ કર્યું તે પહેલા મૈકેફી નાસા, જિરૉક્સ, લૉકહીડ માર્ટિન જેવી સંસ્થાઓ સાથે કામ કરી ચુક્યા હતા. તેમણે 2011માં પોતાની સોફ્ટવેર કંપની ઈન્ટેલ વેચી દીધી હતી અને હવે તેઓ આ વેપાર સાથે નહોતા જોડાયેલા. જોકે હજુ પણ તેમનું નામ સોફ્ટવેર સાથે સંકળાયેલું છે અને સમગ્ર વિશ્વમાં તેના 500 મિલિયન યુઝર્સ છે. 

પોતાના વિલક્ષણ વ્યવહાર અને વીડિયો માટે જાણીતા 75 વર્ષીય જૉન મૈકેફી એન્ટી વાયરસ સોફ્ટવેર ક્ષેત્રના જાણીતા શખ્સ હતા. ટેનેસી ખાતે તેમના પર ટેક્સ ચોરીનો આરોપ હતો. ન્યૂયોર્ક ખાતે તેમના પર ક્રિપ્ટોકરન્સી છેતરપિંડીના કેસમાં પણ આરોપ લાગ્યા હતા. ઓક્ટોબર 2020માં બાર્સિલોના એરપોર્ટ ખાતેથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. 

15 ઓક્ટોબર, 2020ના રોજ તેમણે એક ટ્વીટ પણ કરી હતી જેમાં લખ્યું હતું કે, 'હું અહીં કેદ છું. અહીં મારા મિત્ર છે. ખાવાનું સારૂ છે. બધું બરાબર છે, જો હું ફાંસી લગાવી લઉં તો તે મારી ભૂલ નહીં હોય.'