×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

UP: ધર્માંતરણ કરનારાઓની ડિટેઈલ આવી સામે, લિસ્ટમાં ડૉક્ટર, એન્જિનિયર અને PHD હોલ્ડર પણ સામેલ


- યુપી એટીએસ પોતાની પુછપરછમાં મની ટ્રેલ સમજવા માટે ઈનકમ ટેક્સના અધિકારીઓની મદદ પણ લઈ શકે છે

નવી દિલ્હી, તા. 24 જૂન, 2021, ગુરૂવાર

ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા ધર્માંતરણના કેસમાં સોમવારે ધરપકડ કરવામાં આવી છે તેવા ઈસ્લામિક દાવા સેન્ટર સાથે સંકળાયેલા બંને આરોપીઓની પુછપરછ કરવામાં આવી રહી છે. બીજી બાજુ છેલ્લા 1.5 વર્ષમાં આઈડીસીમાં થયેલા ધર્માંતરણની વિગતો પણ સામે આવી ગઈ છે. ઈસ્લામિક દાવા સેન્ટર સાથે સંબંધ ધરાવતા મોહમ્મદ ઉમર ગૌતમ અને મુફ્તી જહાંગીર કાસમીને 7 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે અને તેમણે છેલ્લા 1.5 વર્ષમાં જેમનું ધર્માંતરણ કરાવવામાં આવ્યું તેમનું 81 પાનાનું વિવરણ રજૂ કર્યું છે.

મુફ્તી કાજી જહાંગીર આલમ કાસમીના હસ્તાક્ષરથી 7 જાન્યુઆરી, 2020થી 12 મે, 2021 દરમિયાન 33 લોકોનું ધર્માંતરણ કરાવવામાં આવ્યું હતું જેમાં 18 મહિલાઓ અને 15 પુરૂષોનો સમાવેશ થાય છે. જો રાજ્યોની વાત કરીએ તો સૌથી વધારે 14 લોકોનું ધર્માંતરણ દિલ્હીથી, 9 લોકોનું ઉત્તર પ્રદેશથી, 3 લોકોનું બિહારથી, 2 લોકોનું એમપીથી તથા ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ, ઝારખંડ અને કેરળ ખાતેથી થયું હતું. 

ઈસ્લામ સ્વીકારનારા 33 લોકોમાંથી માત્ર યુપીના બુલંદશહર ખાતેની એક વ્યક્તિ જ સૌથી ઓછું 6 ધોરણ પાસ છે જ્યારે બાકીના બધા મોટા ભાગે ભણેલા-ગણેલા છે. ધર્માંતરણ કરનારાઓમાં સરકારી નોકરી કરનારાઓ, બીટેક સુધી ભણેલા શિક્ષક, એમબીએ પાસ કરીને નોકરી કરી રહેલા યુવાન, સીનિયર સોફ્ટવેર એન્જિનિયર, દિલ્હી હોસ્પિટલની સ્ટાફ નર્સ, ગુજરાતનો એમબીબીએસ ડૉક્ટર, ઈલેક્ટ્રિકલ્સમાં ડિપ્લોમા હોલ્ડર, એમફાર્મા, એમસીએ પીએચડી કરી ચુકેલા યુવાનોનો સમાવેશ થાય છે. તે બધાએ ઈસ્લામિક દાવા સેન્ટરના નિર્ધારિત ધર્માંતરણ ફોર્મ સાથે એક એફિડેવિટ પણ લગાવી આપી છે જેમાં તેઓ લેખિતમાં સ્વીકારે છે કે તેમણે કોઈ લાલચ વગર પોતાનો મૂળ ધર્મ છોડીને ઈસ્લામ સ્વીકાર્યો છે. 

પહેલા દિવસની પુછપરછ બાદ એવું માનવામાં આવે છે કે, યુપી એટીએસ પોતાની પુછપરછમાં મની ટ્રેલ સમજવા માટે ઈનકમ ટેક્સના અધિકારીઓની મદદ પણ લઈ શકે છે. બંને આરોપીઓની પુછપરછ માટે એટીએસ દ્વારા 4 ટીમ બનાવવામાં આવી છે જે તેમના દેશની અંદર વિવિધ રાજ્યોમાં ફેલાયેલા નેટવર્ક, ઉત્તર પ્રદેશના નેટવર્ક, વિદેશી ફન્ડિંગ અને સંપર્કમાં આવેલા લોકોના આઈએસઆઈ કનેક્શન અંગે પુછપરછ કરશે.