×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બાબા રામદેવ પહોંચ્યા SC, પોતાના વિરૂદ્ધ નોંધાયેલા તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરાવવા માગ


- બાબા રામદેવના કારણે અનેક લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા તેવો પણ આરોપ 

નવી દિલ્હી, તા. 23 જૂન, 2021, બુધવાર

એલોપથી વર્સીઝ આયુર્વેદની લડાઈમાં યોગગુરૂ બાબા રામદેવ વિરૂદ્ધ દેશના વિવિધ રાજ્યોમાંથી કેસ નોંધાયા હતા. બાબા રામદેવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. રામદેવે પોતાની અરજીમાં આઈએમએ પટના તથા રાયપુર દ્વારા નોંધાવાયેલી પ્રાથમિકી પર રોક લગાવવા અને પ્રાથમિકીને દિલ્હી ટ્રાન્સફર કરવા માગ કરી છે. 

થોડા દિવસ પહેલા છત્તીસગઢના રાયપુર ખાતે યોગગુરૂ બાબા રામદેવ વિરૂદ્ધ એફઆઈઆર નોંધાઈ હતી. કોરોનાની સારવારમાં અપાઈ રહેલી એલોપેથિક દવાઓને લઈ ખોટી જાણકારી ફેલાવવાના આરોપસર તેમના વિરૂદ્ધ આ કેસ નોંધાવાયો હતો. ઈન્ડિયન મેડિકલ અસોસિએશનના છત્તીસગઢ યુનિટ દ્વારા એફઆઈઆર નોંધાવાઈ હતી. 

રાયપુરના એસએસપી અજય યાદવે જણાવ્યું કે, રામદેવ વિરૂદ્ધ સેક્શન 188, 269 અને 504 અંતર્ગત કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. મહામારીને લઈ બેદરકારી દાખવવા, અશાંતિ ફેલાવવાના ઈરાદાથી અપમાન કરવા વગેરે આરોપો અંતર્ગત તેમના વિરૂદ્ધ કેસ ફાઈલ થયો છે. આઈએમએ દ્વારા નોંધાવાયેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, રામદેવે ખોટી જાણકારી ફેલાવી છે. 

અગાઉ એલોપેથિક વિરૂદ્ધ બોલવા અને ડૉક્ટર્સની મજાક ઉડાડવા સંબંધિત વીડિયો વાયરલ કરવાના આરોપસર બાબા રામદેવ વિરૂદ્ધ પટનામાં કેસ નોંધાયો હતો. 

આઈએમએના ડૉક્ટર સુનીલ કુમારનો આરોપ છે કે, કોરોનાની બીજી લહેર દરમિયાન બાબા રામદેવે આધુનિક ચિકિત્સા વિજ્ઞાન અને પદ્ધતિ પ્રત્યે સામાન્ય લોકોના મનમાં ભ્રમ સર્જ્યો. તેના પ્રત્યે અવિશ્વાસ વધાર્યો જેથી ડૉક્ટર્સની લાગણી દુભાઈ. બાબા રામદેવના કારણે અનેક લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા તેવો પણ આરોપ છે.