×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સિદ્ધુને કોઈ પણ કિંમત પર નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે નહીં: કેપ્ટન અમરિંદર સિંહ

નવી દિલ્હી, 22 જુને 2021 મંગળવાર

ધારાસભ્ય નવજોત સિંહ સિદ્ધુના સતત શાબ્દિક પ્રહારો સહન કરી રહેલા અને ધારાસભ્ય પુત્રોને સરકારી નોકરી આપવા બદલ પોતાની જ પાર્ટીમાં ટીકાઓનો સામનો કરી રહેલા પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે મંગળવારે નવી દિલ્હીમાં પાર્ટી હાઈકમાન્ડ દ્વારા રચવામાં આવેલી ત્રણ સભ્યોની સમિતિની સાથે બેઠક કરી હતી.

એવું જાણવા મળ્યું છે કે આ બેઠક દરમિયાન ત્રણ સભ્યોની કમિટીએ મુખ્ય પ્રધાન સાથે પંજાબની રાજકીય પરિસ્થિતિ, કોંગ્રેસ પાર્ટીની આગામી ચૂંટણી અને નવજોતસિંહ સિદ્ધુ પ્રકરણ અંગેની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. સમિતિએ મોટાભાગના મુદ્દાઓના સમાધાન શોધવાની જવાબદારી મુખ્ય પ્રધાનને સોંપી છે.

ત્યાં જ, એ પણ બહાર આવ્યું છે કે કેપ્ટને ત્રણ સભ્યોની કમિટીને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ સિદ્ધુને કોઈપણ કિંમતે નાયબ મુખ્ય પ્રધાન બનાવશે નહીં. જોકે સમિતિએ આ મીટિંગ દરમિયાન તેની વતી કોઈ નિર્ણય આપ્યો નથી, પરંતુ રાજ્ય કોંગ્રેસના વિવાદોને જલ્દીથી નિવારવા માટે અન્ય સંભવિત રસ્તાઓ શોધવા ભાર આપ્યો છે. દરમિયાન, મંગળવારે મુખ્ય પ્રધાન સાથેની સમિતિની બેઠક બાદ પક્ષના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે સમિતિ ટૂંક સમયમાં નવજોત સિંહ સિદ્ધુને વાટાઘાટો માટે બોલાવશે અને તેમનો પક્ષ પણ સાંભળશે.

આ બેઠક બાદ સમિતિના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખર્ગે જણાવ્યું હતું કે, બધાએ સંમતિ આપી છે કે તેઓ સાથે મળીને ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે પાર્ટી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં એક થઈ છે. બીજી તરફ, સમિતિના સભ્ય અને પંજાબ બાબતોના પ્રભારી હરીશ રાવતે મીટિંગમાં થયેલી ચર્ચા અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો, જ્યારે નવજોત સિદ્ધુના મુદ્દે તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે આ મામલો પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીના ધ્યાનમાં આવ્યું છે.