×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોંગ્રેસી નેતા સિંઘવીની ટ્વીટ- ॐના ઉચ્ચારણથી શક્તિશાળી નહીં બને યોગ, રામદેવે કહ્યું- ભગવાન બધાને સન્મતિ આપે


- અભિષેક મનુ સિંઘવીની આ ટ્વીટના કારણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર એક નવો વિવાદ છેડાયો

નવી દિલ્હી, તા. 21 જૂન, 2021, સોમવાર

સમગ્ર વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે અને ભારતમાં પણ અનેક જગ્યાએ કોરોના પ્રોટોકોલ અંતર્ગત તે માટેના આયોજનો થઈ રહ્યા છે. આ બધા વચ્ચે કોંગ્રેસી નેતા અભિષેક મનુ સિંઘવીની એક ટ્વીટને લઈને ભારે વિવાદ સર્જાયો છે. અભિષેક મનુ સિંઘવીએ યોગને લઈને ॐ અને અલ્લાહનો ઉલ્લેખ કર્યો હતો જેનો યોગગુરૂ રામદેવે જવાબ આપ્યો હતો.  

કોંગ્રેસી નેતા અભિષેક મનુ સિંઘવીએ ટ્વીટમાં લખ્યું હતું કે, ॐના ઉચ્ચારણથી ન તો યોગ વધુ શક્તિશાળી બની જશે ન અલ્લાહ કહેવાથી યોગની શક્તિ ઘટશે.

અભિષેક મનુ સિંઘવીની આ ટ્વીટના કારણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર એક નવો વિવાદ છેડાયો છે. યોગગુરૂ રામદેવે પણ આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપી છે. 

રામદેવે લખ્યું હતું કે, 'ઈશ્વર-અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન.' અલ્લાહ, ભગવાન, ખુદા બધું એક જ છે, એવામાં ॐ બોલવામાં શું મુશ્કેલી છે. પરંતુ આપણે કોઈને ખુદા બોલતા ન અટકાવી શકીએ. વધુમાં તેમણે આ બધાએ પણ યોગ કરવો જોઈએ, બાદમાં તે બધાને એક જ પરમાત્મા દેખાશે તેવી સલાહ પણ આપી હતી. 

સાતમા યોગ દિવસની ઉજવણી

ભારતની આગેવાની બાદ 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે. સોમવારે દેશના વિવિધ ક્ષેત્રોમાં અનેક કાર્યક્રમ ઉજવાઈ રહ્યા છે, યોગગુરૂ રામદેવ પોતે હરિદ્વાર ખાતે પોતાના આશ્રમમાં યોગ કરાવી રહ્યા છે. 

આ નિમિત્તે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશને સંબોધિત કર્યો હતો. તેમણે વિશ્વમાં યોગના પ્રસારને કોરોના કાળમાં સુરક્ષાકવચ સમાન ગણાવ્યું હતું. આ સાથે જ તેમણે એમ-યોગા એપ લોન્ચ કરી હતી જેના દ્વારા વિશ્વની અલગ-અલગ ભાષાઓમાં યોગ શીખવાની તક મળશે.