×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બ્રાઝિલમાં કોરોનાનો મૃત્યુઆંક પાંચ લાખને પાર : લોકો વિરોધમાં રસ્તા પર ઉતર્યા


બોલસોનારો સરકારની ઢીલભરી નીતિ સામે જનાક્રોશ

બ્રાઝિલમાં કોરોના સંક્રમણની સ્થિતિ હજુ વણસવાની આશંકા : રાષ્ટ્રપતિ બોલ્સોનારો આ નરસંહાર માટે જવાબદાર હોવાના સૂત્રોચ્ચાર 

રીયો ડી જેનેરો : કોરોનાના કારણે સૌથી અસરગ્રસ્ત થનારા દેશોમાં અમેરિકા અને ભારત બાદ બ્રાઝિલનું સ્થાન છે. બ્રાઝિલમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં પાંચ લાખથી પણ વધુ લોકોના મૃત્યુ થયા છે અને હજુ પણ નિષ્ણાતો આશંકા વ્યક્ત કરી રહ્યા છે.

અત્યંત ધીમે વેક્સિનેશન અને સરકારની ઢીલભરી નીતિના કારણે આ લોકોના મૃત્યુ થયા હોવાના આક્રોશ સાથે ત્યાંના રાષ્ટ્રપતિ ઝાયર બોલ્સોનારો સામે વિરોધ કરવા હજારો લોકો રસ્તા પર ઉતર્યા હતા અને સૂત્રો પોકાર્યા હતા કે આ એક પ્રકારનો નરસંહાર છે અને રાષ્ટ્રપતિ બોલ્સોનારો આ નરસંહાર માટે જવાબદાર છે.

ઉલ્લેખનીય છે કે લેટિન અમેરિકામાં કોરોનાના કારણે સૌથી વધુ મૃત્યુ બ્રાઝિલમાં નોંધાયા છે. પાંચ લાખના મૃત્યુઆંક સાથે બ્રાઝિલ અમેરિકા બાદ વિશ્વમાં બીજા સ્થાને છે. બ્રાઝિલના સ્વાસ્થય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલ અનુસાર દેશમાં  અત્યાર સુધીમાં 1,78,83,750 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને પાંચ લાખ લોકોનાં મૃત્યુ થયા છે.

તબીબો અને તજજ્ઞો દહેશત વ્યક્ત કરી રહ્યા છે કે હજુ પણ રસીકરણ વધારવામાં ન આવ્યું અને અન્ય નક્કર પગલાં ન લેવામાં આવ્યા તો હજુ પણ વિકટ પરિસ્થિતિ ઉભી થઇ શકે છે, કારણ કે બ્રાઝિકમાં હજુ સુધી માત્ર 11 લોકોનું જ વેક્સિનેશન થયું છે. ધીમા વેક્સિનેશનના કારણે અને લોકડાઉન સહિતના પગલાંઓમાં ઢીલના કારણે આ પરિસ્થિતિ ઉભી થઇ હોવાના આક્રોશ સાથે બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝાયર બોલ્સોનારો સામે લોકો રસ્તા પર ઉતર્યા હતા.

રાજધાની બ્રાઝિલિયા સહિત દેસના તમામ 26 રાજ્યોમાં લોકોએ વિરોધ પ્રદર્શન યોજી રાષ્ટ્રપતિ બોલ્સોનારો સામે સૂત્રો પોકાર્યા હતા અને કહ્યું હતું કે પાંચ લાખ લોકોના મૃત્યુ થયા તે એક પ્રકારનો નરસંહાર છે અને રાષ્ટ્રપતિ બોલ્સોનારો આ નરસંહાર માટે જવાબદાર છે. 

બ્રાઝિલના સ્વાસ્થય નિયમન વિભાગ એનવિસા ના પ્રમુખ ગોનઝાલો વેકિનાનું કહેવું છે કે વેક્સિનેશનની અસર દેખાવાની શરૂઆત થાય તે સમય સુધીમાં મૃત્યુઆંક સાત કે આઠ લાખ સુધી પહોંચે તેવી શક્યતા છે. આ ઉપરાંત તેમણે રાષ્ટ્રપતિ ઝાયર બોલસોનારો અને વહીવટી તંત્ર દ્વારા કોરોનાનો સામનો કરવા માટે લેવાયેલા પગલાંની પણ આકરાં શબ્દોમાં ટીકા કરી છે.

એમેઝોનમાં આગ : બ્રાઝિલમાં કેસો વધવાની ભીતિ

વૈજ્ઞાાનિકો આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે એમેઝોનના જંગલોમાં ગત વર્ષની જેમ ફરી મોટો દાવાનળ સર્જાશે અને આ દાવાનળના કારણે સર્જાનારા ધૂમાડા અને અન્ય પરિસ્થિતિથી બ્રાઝિલમાં કોરોનાની પરિસ્થિતિ વધુ વકરશે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન આ આગથી એમેઝોન નદીની આસપાસના દેશોના વાતાવરણમાં પલટો આવે છે અને આ પલટના કારણે બ્રાઝિલમાં પણ કોરોના દર્દીઓ અને સંક્રમણ વધશે.