×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમે ભારત સાથે શાંતિથી રહેવા માંગીએ છે, કોઈ દેશ પાડોશી બદલી શકતો નથીઃ તાલિબાન

નવી દિલ્હી,તા.20 જૂન 2021,રવિવાર

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકો સપ્ટેમ્બર સુધીમાં પાછા ફરી જશે અને તેના કારણે અફઘાનિસ્તાનમાં રાજકીય હલચલ વધી રહી છે.

ભારત પણ સ્થિતિ પર નજર રાખી રહ્યુ છે. કારણકે ભારતે અફઘાનિસ્તાનમાં ખાસુ એવુ રોકાણ કર્યુ છે. બીજી તરફ અફઘાનિસ્તાનના તાલિબાન સાથે પાકિસ્તાનના નિકટના સબંધો છે. આ સંજોગોમાં અફઘાનિસ્તાનમાં ભારત સાથેના ભાવિ સબંધો અંગે હજી સ્થિતિ સ્પષ્ટ થઈ રહી હતી તેવામાં તાલિબાને ભારતને લઈને પોતાની વાત મુકી છે. તાલિબાનનુ કહેવુ છે કે, તે ભારત અને બીજા પાડોશી દેશો સાથે શાંતિથી રહી શકે છે.

તાલિબાને કહ્યુ હતુ કે, કોઈ પણ દેશ પોતાના પાડોશીઓને બદલી શકતુ નથી. એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર ભારત અને કાશ્મીર અંગે પૂછાયેલા સવાલ પર તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને કહ્યુ હતુ કે, પાકિસ્તાન અમારો પાડોશી દેશ છે. બંનેનો ઈતિહાસ અને મૂલ્યો સમાન છે. ભારત અમારા જ ક્ષેત્રનો દેશ છે. અમારે એ હકીકત સ્વીકારવી રહી કે કોઈ પણ દેશ પોતાની પડોશના કે પોતાના ક્ષેત્રના દશને બદલી શકતો નથી. અમે શાંતિપૂર્ણ રીતે રહેવા માંગીએ છે અને એ જ તમામના હિતમાં છે.

સુહેલે તાલિબાનને રાષ્ટ્રવાદી ઈસ્લામિક તાકાત ગણાવીને કહ્યુ હતુ કે, અમારો હેતુ દેશને વિદેશી કબ્જામાંથી છોડાવીને ઈસ્લામિક સરકારની સ્થાપના કરવાનો છે.

છેલ્લા બે દાયકામાં ભારતે અફઘાનિસ્તાનને વિકાસ માટે મદદ કરવા 3 અબજ ડોલર આપ્યા છે. જેના કારણે ભારતનો અહીંયા પ્રભાવ વધ્યો છે અને તેનાથી પાકિસ્તાનની ચિંતા વધી છે. જોકે હવે અમેરિકન સેના પરત ફરી રહી છે અને અફઘાનિસ્તાનમાં તાલિબાનની ભૂમિકા મહત્વની થવાની છે ત્યારે અહીંયા ભારતના રોલ પર સવાલો ઉભા થયા છે.

જોકે ભારત સરકાર પણ તાલિબન સાથે સંપર્કમાં હોવાના મીડિયા રિપોર્ટસ તાજેતરમાં સામે આવ્યા હતા. આ અંગે જોકે તાલિબાના પ્રવકતાએ કોઈ જાણકારી નહીં હોવાનુ કહ્યુ હતુ.