×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બિહારઃ મહિલાને પહેલા અપાઈ કોવિશીલ્ડ વેક્સિન, 5 જ મિનિટ બાદ અપાયો કોવેક્સિનનો ડોઝ


- સદનસીબે 3 દિવસ બાદ પણ મહિલાના સ્વાસ્થ્ય પર કોઈ જ દુષ્પ્રભાવ નથી નોંધાયો

નવી દિલ્હી, તા. 19 જૂન, 2021, શનિવાર

બિહારમાં ભયંકર બેદરકારીની એક ઘટના સામે આવી છે. એક મહિલાને માત્ર 5 જ મિનિટના સમયગાળામાં કોવિડ-19ની બંને વેક્સિન કોવિશીલ્ડ અને કોવેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. આ ઘટના બાદ આરોગ્ય વિભાગમાં હડકંપ મચી ગયો હતો. જોકે 2 અલગ-અલગ વેક્સિન લીધા બાદ પણ હજુ સુધી મહિલા પર તેનો કોઈ દુષ્પ્રભાવ નથી નોંધાયો અને તેની સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર છે. 

આ ઘટના ગ્રામીણ પટનાના પુનપુન પ્રખંડ ખાતે બની હતી જ્યાં 16 જૂનના રોજ સુનીલા દેવી નામના એક મહિલાને 5 મિનિટના સમયગાળામાં જ 2 અલગ-અલગ વેક્સિન આપવામાં આવી હતી. બેલદારીચક મિડિલ સ્કુલ ખાતે તૈનાત નર્સ ચંચલા કુમારી અને સુનીતા કુમારીની બેદરકારીથી મહિલાને વેક્સિનના 2 અલગ અલગ ડોઝ એક સાથે અપાઈ ગયા હતા. 

જાણવા મળ્યા મુજબ વેક્સિનેશન કેન્દ્ર ખાતે એક રૂમમાં કોવિશીલ્ડ અને કોવેક્સિન એમ બંને રસીના ડોઝ અપાઈ રહ્યા હતા. 63 વર્ષીય સુનીલા દેવીએ સૌથી પહેલા વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને વારો આવ્યા બાદ સૌથી પહેલા તેમને કોવિશીલ્ડ વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ સ્વાસ્થ્યકર્મીઓએ તેમને અવલોકન માટે બેસવા કહ્યું હતું અને તે સમયે બીજી નર્સે સુનીલા દેવીને કોવેક્સિનનો ડોઝ પણ આપી દીધો હતો. 

સુનીલા દેવીએ જણાવ્યું કે, 'પહેલો ડોઝ લીધા બાદ જ્યારે હું બેઠી હતી ત્યારે બીજી નર્સ ફરી વેક્સિન આપવા લાગી. મેં ના પાડી અને કહ્યું કે મને એક હાથમાં વેક્સિન લાગી ચુકી છે તો તેણે બીજી વેક્સિન પણ તે જ હાથમાં અપાશે તેમ કહ્યું હતું. ત્યાર બાદ મારા બીજા હાથ પર પણ વેક્સિન આપી દીધી હતી. આવી બેદરકારી બાદ અધિકારીઓને સબક મળશે.'

આ ઘટના બાદ ડૉક્ટર્સની ટીમ સુનીલા દેવીના સ્વાસ્થ્યનું મોનિટરિંગ કરી રહી છે અને 3 દિવસ વીતી જવા છતાં તેઓ સ્વસ્થ છે અને બંને ડોઝનો કોઈ દુષ્પ્રભાવ નથી જણાઈ રહ્યો. આ ઘટના મુદ્દે બંને નર્સ પાસે સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે.