×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સુરત-અમદાવાદના મ્યુ.કમિશનર રહી ચુકેલા IAS અધિકારી ગુરૂપ્રસાદ મહાપાત્રનુ કોરોનાથી નિધન

નવી દિલ્હી,તા.19 જૂન શનિવાર,2021

ગુજરાત કેડરના આઈએએસ અધિકારી ગુરૂપ્રસાદ મહાપાત્રાનુ કોરોનાના કારણે આખરે નિધન થયુ છે.તેઓ છેલ્લા દોઢ મહિનાથી કોરોના સામે લડાઈ લડી રહ્યા હતા.આજે તેમણે આખરી શ્વાસ લીધા હતા.

મળતી વિગતો પ્રમાણે દોઢ મહિના પહેલા ગુરૂપ્રસાદ મહાપાત્રાને કોરોના થયો હતો. તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓ કોમામાં જતા રહ્યા હતા અને છેલ્લા કેટલાક દિવસથી કોમામાં હતા. આજે વહેલી સવારે તેમણે એઈમ્સમાં જ તેમનુ નિધન થયુ હતુ.

મહાપાત્ર 1986ની બેચના આઈએએસ ઓફિસર હતા. તેમણે ગુજરાતમાં રાજકોટ તથા જૂનાગઢમાં પૂર્વ કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી. સુરતમાં તેઓ મ્યુનિસિપલ કમિશનર પણ રહ્યા હતા અને દરમિયાનમાં તેમણે સુરતની સુંદરતા વધારવા માટે મહત્વપૂર્ણ પ્રયાસો કર્યા હતા. સુરતમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવામાં તેમનો ફાળો રહ્યો હતો. સુરત કોર્પોરેશનના નાણાકીય વહિવટને પણ તેમણે મજબૂત બનાવ્યો હતો.

જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકેના તેમના કાર્યકાળમાં સાબરમતી રિવર ફ્રન્ટ પ્રોજેકટ, બીઆરટીએસ, કાંકરીયા લેકફ્રન્ટ અને હેરિટેજ પ્રમોશન પ્રોજેકટને ભારે વેગ મળ્યો હતો. હાલમાં તેઓ નવી દિલ્હીમાં ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઈનડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડના સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહ્યા હતા.

આ વિભાગનો ચાર્જ સંભાળતા પહેલા તેમણે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેન તરીકે પણ ફરજ બજાવી હતી. આ સમયગાળામાં તેમણે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની કામગીરીને નવી દીશા આપી હતી. માત્ર મેટ્રો શહેરોના જ નહીં પણ અન્ય મધ્યમ કક્ષાના તથા નાના શહેરોના એરપોર્ટની માળખાકિય સુવિધાઓમાં વધારો થાય તેના પર તેમણે જોર આપ્યુ હતુ.

એ પહેલા ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સના જોઈન્ટ સેક્રેટરી તરીકે તેમણે સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના પ્રમોશન માટે પણ કામગીરી કરી હતી.

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના મુખ્ય સચિવ તરીકે તેમનુ નામ ચર્ચામાં હતુ. દરમિયાન તેમના નિધનના પગલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમને શ્રધ્ધાંજલિ પાઠવી છે. તેમણે કહ્યુ છે કે, મહાપાત્રાના અવસાનથી ગુજરાત કેડરના એક સંનિષ્ઠ અધિકારી આપણે ગુમાવ્યા છે.