×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

21 જૂનથી રાજ્યભરમાં 18થી 44 વર્ષના લોકોનું વોક-ઇન-વેક્સિનેશન થશે, ઓન સાઇટ રજીસ્ટ્રેશન કરાશે

અમદાવાદ, તા. 18 જૂન 2021, શુક્રવાર

રાજ્યમાં અત્યારે કોરોના વાયરસની બીજી લહેર સમાપ્તિના આરે છે. તો બીજી તરફ યુદ્ધના ધોરણે રસીકરણ પણ ચાલી રહ્યું છે. ત્યારે રસીકરણ અંગે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે પ્રમાણે આગામી 21 જૂન એટલે કે સોમવારના દિવસે બપોરે ત્રણ વાગ્યેથી સમગ્ર રાજ્યમાં 18થી 44 વર્ષના લોકોને રસીકરણ માટે ઓન સાઇટ રજીસ્ટ્રેશનની સુવિધા મળશે. પ્રાયર-રજીસ્ટ્રેશન વિના સમગ્ર રાજ્યના વેક્સિનેશન સેન્ટર પરથી વોક ઈન વેક્સિનેશન અન્વયે સ્થળ પર રજીસ્ટ્રેશન કરીને રસી આપવામાં આવશે.

અત્યાર સુધી 18થી 44 વર્ષના લોકો માટે પ્રિ રજીસ્ટ્રેશન ફરજિયાત હતું. રાજ્યમાં હાલ 18થી 44 વયજૂથમાં વેક્સિનેશન માટે અગાઉથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને સ્થળ, સમય અને તારીખનો સ્લોટ SMS દ્વારા મળ્યા મુજબ વેક્સિનેશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે હવે વેક્સિનેશન સેન્ટર પર જઇને ત્યાં રજીસ્ટ્રેશન કરાવી શકાશે. જો કે પહેલાથી રજીસ્ટ્રેશન કરાવેલા લોકોને રસીકરણ માટે પ્રાથમિકતા આપવામાં આવશે.

21 જૂન વિશ્વ યોગ દિવસથી બપોરે 3 કલાક બાદથી પ્રાયર રજીસ્ટ્રેશન સિવાય એટલે કે, વોક-ઈન-રજીસ્ટ્રેશન અંતર્ગત રાજ્યભરના બધા જ રસીકરણ કેન્દ્રોએ સ્થળ પર રજીસ્ટ્રેશન કરીને વેક્સિનના ડોઝની ઉપલબ્ધતાના આધારે વેક્સિનેશન કરવામાં આવશે.

રાજ્યમાં કોરોના રસીકરણનો વ્યાપ ઝડપથી વધે અને તમામ લોકો કોરોના પ્રતિરોધી રસી લઇ લે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં સેંકડો લોકો એવા છે કે જેઓ ભણેલા નથી અને એવા પણ લોકો છે જેમની પાસે સ્માર્ટ ફોન કે ન્ટરનેટની સુવિધા નથી. આવી સ્થિતિમાં રસી માટે પ્રિ રજીસ્ટ્રેશનનો નિયમ બાધારુપ બનતો હતો, જેનું સરકારે સામાધાન આપ્યું છે.