×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એન્ટિલિયા કેસઃ મુંબઈ પોલીસના પૂર્વ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્માની પણ ધરપકડ


નવી દિલ્હી,તા.17.જૂન,2021

ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના એન્ટિલિયા નામના ઘરની બહાર વિસ્ફોટકો મુકવાના અને મનસુખ હિરેનની હત્યાના મામલામાં હવે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ મુંબઈના પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અને હવે શિવસેનાના નેતા પ્રદીપ શર્માની ધરપકડ કરતા ખળભળાટ મચી ગયો છે.

એનઆઈએ દ્વારા આજે તેમના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા.પ્રદીપ શર્માની કલાકો સુધી પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.એવુ કહેવાય છે કે, છેલ્લા કેટલાક સમયથી પ્રદીપ શર્મા એજન્સીના શંકાના દાયરામાં હતા પણ તેમની સામે એજન્સી પાસે પૂરતા પૂરાવા નહોતા.હવે પૂરાવા મળ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે.

આજે દરોડામાં એજન્સીને ઘણા પૂરાવા મળ્યા હોવાનુ કહેવાય છે.અધિકારીઓ સાથે સીઆરપીએફની એક ટીમ પણ મોજૂદ હતી.એવુ કહેવાય છે કે, મનસુખ હિરેનના મર્ડર પહેલા મુંબઈ પોલીસના અધિકારી સચિન વાઝેની અંધેરી વિસ્તારમાં એક વ્યક્તિ સાથે બેઠક થઈ હતી.પ્રદીપ શર્મા પણ અંધેરીમાં રહે છે.મનસુખ હિરેનને જે નંબરથી કોલ કરીને બોલાવવામાં આવ્યો હતો તેનુ છેલ્લુ લોકેશન પણ અંધેરીનુ જેબી નગર જ હતુ.

સચિન વાજે પર એન્ટિલિયા કેસના મુખ્ય સુત્રધાર હોવાનો આરોપ મુકાયેલો છે.સચિન વાજેની 15 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી.એ પછી પૂછપરછમાં વાજેએ સંખ્યાબંધ ખુલાસા કર્યા હતા.પ્રદીપ શર્મા અને સચિન વાજે એક બીજાની નજીક છે તે બધા જાણે છે.મનસુખ હિરેનની હત્યામાં જેલના સળિયા પાછળ ધકેલાયેલો પૂર્વ કોન્સ્ટેબલ વિનાયક શિંદે પણ શર્માની નિકટનો ગણાય છે.

પ્રદીપ શર્મા 1983ની આઈપીએસ બેચના ઓફિસર છે.મુંબઈમાં તેઓ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા થયા હતા.છોટા રાજન ગેંગના લખન ભૈયાનુ બોગસ એન્કાઉન્ટર કરવાનો આરોપ પણ તેમના પર લાગ્યો હતો.પોલીસે આ મામલામાં તેમને સસ્પેન્ડ કર્યા હતા.એ પછી જોકે કોર્ટે તેમને નિર્દોષ છોડ્યા હતા.2019માં શિવસેનાની ટિકિટ પર તેઓ ચૂંટણી પણ લડયા હતા.

25 ફેબ્રુઆરીએ મુકેશ અંબાણીના એન્ટિલિયા નિવાસ સ્થાનની બહારથી વિસ્ફોટકો ભરેલી જીપ મળ્યા બાદ આ જીપના મૂળ માલિક મનસુખ હિરેનનુ મોત થયુ હતુ અને ત્યારથી આ કેસ આખા દેશમાં ચર્ચાનો વિષય બનેલો છે.