×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

CBSE 12મું બોર્ડઃ 10મા-11માના માર્કના આધારે નક્કી થશે રિઝલ્ટ, પરિણામની તારીખ પણ જાહેર


- જે બાળકો પરિણામથી સંતુષ્ટ નહીં હોય તેમને ફરી પરીક્ષા આપવાની તક આપવામાં આવશે

નવી દિલ્હી, તા. 17 જૂન, 2021, ગુરૂવાર

સીબીએસઈ અને આઈસીએસઈ બોર્ડે 12મા ધોરણની માર્કશીટ તૈયાર કરવા માટે રચેલી 13 સદસ્યો ધરાવતી સમિતિએ ગુરૂવારે સુપ્રીમ કોર્ટને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. સીબીએસઈના કહેવા પ્રમાણે 10મા, 11મા અને 12માના પ્રી બોર્ડના પરિણામને આધાર તરીકે લઈને 12મા ધોરણનું ફાઈનલ રિઝલ્ટ બનાવવામાં આવશે અને 31 જુલાઈના રોજ પરિણામો જાહેર કરવામાં આવશે. 

સીબીએસઈના કહેવા પ્રમાણે 10મા ધોરણના 5 વિષયોમાંથી 3 વિષયના સૌથી સારા માર્ક લેવામાં આવશે, એ જ રીતે 11મા ધોરણના પાંચેય વિષયની એવરેજ લેવામાં આવશે તથા 12માની પ્રી બોર્ડ એક્ઝામ અને પ્રેક્ટિકલના માર્ક લેવામાં આવશે. 10મા ધોરણના માર્કના 30 ટકા, 11મા ધોરણના 30 ટકા અને 12મા ધોરણના 40 ટકાના આધાર પર પરિણામ નક્કી કરવામાં આવશે. 

સીબીએસઈએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, પરિણામ સમિતિએ પરીક્ષાની વિશ્વસનીયતાના આધારે વેઈટેજનો નિર્ણય લીધો, શાળાઓની નીતિ પ્રીબોર્ડમાં વધુ માર્ક આપવાની છે, આ સંજોગોમાં સીબીએસઈની હજારો શાળાઓમાંથી પ્રત્યેક માટે પરિણામ સમિતિની રચના કરવામાં આવશે, શાળાના બે વરિષ્ઠતમ શિક્ષક અને પાડોશી શાળાના શિક્ષક 'મોડરેશન કમિટી' તરીકે કાર્ય કરશે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે શાળાએ માર્ક વધારીને નથી દર્શાવ્યા, આ કમિટી વિદ્યાર્થીઓના પાછલા 3 વર્ષના પ્રદર્શનોને ધ્યાનમાં લેશે. 

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, 31મી જુલાઈ સુધીમાં સીબીએસઈ 12મા ધોરણના પરિણામો જાહેર કરી દેવાશે. જે બાળકો પરિણામથી સંતુષ્ટ નહીં હોય તેમને ફરી પરીક્ષા આપવાની તક આપવામાં આવશે જેના માટે ગાઈડલાઈન બનાવાઈ રહી છે.