×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'જય શ્રીરામના નારા બોલાવ્યા, તાવીજની વાત ખોટી', ગાઝિયાબાદ કેસમાં પીડિત વડીલે બદલ્યું નિવેદન


- પોલીસના કહેવા પ્રમાણે અબ્દુલ સમદ સાથે મારપીટ કરી તે લોકો તેમના દ્વારા વેચવામાં આવેલા તાવીજને લઈ નાખુશ હતા

નવી દિલ્હી, તા. 17 જૂન, 2021, ગુરૂવાર

ઉત્તર પ્રદેશમાં ગાઝિયાબાદના લોની ખાતે અબ્દુલ સમદ સૈફી પર થયેલા હુમલા બાદ રાજકીય નિવેદનોનો મારો ચાલ્યો છે. આ બધા વચ્ચે સમદ સૈફીનું વધું એક નિવેદન સામે આવ્યું છે જેમાં તે નારાબાજી, જાનથી મારી નાખવાની ધમકી, મારપીટ અને પેશાબ પીવા સુધીની વાત કહે છે. સમદે તાવીજવાળી વાતને પણ ખોટી કહી છે.

બુધવારે રાતે બુલંદશહરના અનૂપશહર ખાતે પોતાના ઘરે પત્રકારો સામે તેમણે આ વાત રાખી હતી. વીડિયોમાં તેમના સાથે ઉપસ્થિત લોકો પોલીસની એક્શન સામે સવાલ ઉઠાવી રહ્યા છે. અબ્દુલ સમદ સૈફીએ જણાવ્યું કે તેમની કાનપટ્ટી પર પિસ્તોલ તાકવામાં આવી હતી, 4 લોકો હતા, ડંડા અને બેલ્ટ વડે તેમને ખૂબ માર માર્યો હતો, તેઓ તેમને નહોતા ઓળખતા.

વધુમાં તેમણે પોતાના પર ખોટા આરોપો લગાવાઈ રહ્યા હોવાનો દાવો કર્યો હતો. તેમના કહેવા પ્રમાણે તેમને મારનારો કોઈ મુસ્લિમ હતો કે નહીં તેનાથી તેઓ અજાણ છે. તાવીજની વાત ખોટી છે અને તેઓ તાવીજનું કોઈ કામ નથી કરતા. તેમના પર ખોટો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આવો આરોપ કોઈ પણ લગાવી શકે છે, તેઓ મદરેસામાં રહે છે. 

આ ઉપરાંત તેમણે એવો પણ દાવો કર્યો કે તેમના પાસે જય શ્રીરામના નારા બોલાવાયા, પાણી માંગ્યું તો તેમને પેશાબ પીવા કહ્યું. સૈફી પાસે ઉભેલી વ્યક્તિએ જણાવ્યું કે, તેમને મારવા માટે 2 વખત તમંચો ચલાવવામાં આવ્યો પરંતુ ફાયર મિસ થઈ ગયું. આખરે પોલીસે 307માં એફઆઈઆર શા માટે ન કરી?

ઉલ્લેખનીય છે કે, અગાઉ વડીલ સમદ સૈફીએ પોલીસે તેમને સહયોગ આપ્યો હોવાનું કહ્યું હતું. પરંતુ હવે તેમનું નિવેદન ખૂબ અલગ છે. 

હકીકતે ગાઝિયાબાદમાં વડીલ સમદ સૈફી સાથે મારપીટ અને બળજબરીપૂર્વક દાઢી કાપવાના આરોપોને લઈ રાજકીય ઘમસાણ મચેલું છે. આ કેસમાં પોલીસ સાંપ્રદાયિક પાસાને મનાઈ કરી રહી છે પરંતુ વિપક્ષ તેને લઈ હુમલાવર છે. પોલીસના કહેવા પ્રમાણે અબ્દુલ સમદ સાથે મારપીટ કરી તે લોકો તેમના દ્વારા વેચવામાં આવેલા તાવીજને લઈ નાખુશ હતા.