×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ટ્વિટર સામે આકરા પગલાં ભરવા સરકાર સજ્જ : FIR દાખલ


- ભારત સરકાર અને ટ્વિટર વચ્ચે ચાલતા જંગમાં રસપ્રદ વળાંક : ટ્વિટર પર રજૂ થતી વિગતો માટે હવે ટ્વિટર જ જવાબદાર

- ટ્વિટરને મળતું કાયદાકીય રક્ષણ બંધ થયું : હવે ટ્વિટર પર વાંધાજનક  અને ઉશ્કેરણીજનક પોસ્ટ કરનારા તેમજ ટ્વિટર બંને સામે કાર્યવાહી થશે

- ટ્વિટરે જાણી જોઈને નિયમોનું પાલન ન કર્યું : રવિશંકર પ્રસાદ

નવી દિલ્હી : ભારત સરકાર અને ટ્વિટર વચ્ચે કેટલાક દિવસથી જંગ ચાલી રહ્યો છે. અમેરિકી સોશિયલ મીડિયા કંપની ટ્વિટર ભારત સરકારના નવા આઈ.ટી.નિયમો માનવા તૈયાર નથી. માટે સરકારે હવે ટ્વિટરને પરદેશી કંપની તરીકે મળતું કાયદાકીય રક્ષણ હટાવી લીધું છે. એનો સીધો અર્થ એ થાય કે ટ્વિટર પર રજૂ થતી કોઈ માહિતી માટે સીધી જ ટ્વિટર સામે કાર્યવાહી થઈ શકશે. સરકારે આ નિર્ણયની કંપનીને સત્તાવાર જાણ નથી કરી પરંતુ હવે કરશે. ટ્વિટરે જો ભારતના આઈ.ટી.નિયમો સ્વિકારી લીધા હોત તો તેના આ રક્ષણ મળી શક્યું હોત.

આ નિર્ણય લેવાની વાત જાહેર થયાના ગણતરીના કલાકોમાં જ પોલીસ એફઆઈઆર (ફાઈનલ ઇન્ફર્મેશન રિપોર્ટ)માં ટ્વિટરનું નામ નોંધી દીધું છે. ઉત્તર પ્રદેશમાં ગાઝીયાબાદ પોલીસે કુલ નવ પક્ષ સામે ધામક ભાવના ભડકાવવાનો કેસ કર્યો છે, જેમાં ટ્વિટરનું નામ પણ આરોપી તરીકે સામેલ કરાયું છે. ગાઝીયાબાદના અબ્દુલ સમદનો વિડીયો વાઈરલ થયો હતો. એમાં એ વ્યક્તિ એ એવો આક્ષેપ કર્યો હતો કે મુસ્લીમ હોવા છતાં જય શ્રી રામનો નારો લગાવવા મજબૂર કરાયો હતો. 

હકીકતે જે લોકો અબ્દુલ સમદ સાથે ગેરવર્તન કરતા હતા, એ તેના દ્વારા અપાયેલા તાવીજથી નારાજ હતા. એમાં હિન્દુ-મુસ્લીમનો કોઈ પ્રશ્ન ન હતો. પરંતુ આ વિડીયો હિન્દુ-મુસ્લીમ વૈમનસ્યના નામે ટ્વિટર પર રજૂ થયો હતો. માટે એ વિડીયો રજૂ કરનારા પત્રકારો ઝુબેર અહેમદ, રાણા અયુબ, સાબા નકવી, કોંગ્રેસી નેતા સલમાન નમાઝી.. વગેરે સામે ફરિયાદ થઈ છે. ટ્વિટર પર આ વિડીયો હોવાથી ટ્વિટર સામે પણ ફરિયાદ થઈ છે અને હવે કાર્યવાહી થશે.

ભારત સરકારે નવા આઈ.ટી.નિયમો બનાવ્યા છે, જેનો અમલ કરવા માટે વિદેશી સોશિયલ મીડિયા અને ટેકનોલોજી જાયન્ટ કંપનીઓને ૩ મહિનાનો સમય આપ્યો હતો. ૨૫મી મેના દિવસે એ સમય પુરો થયો છતાં ટ્વિટરે નિયમો સ્વિકારી ભારત સરકારની સૂચના મુજબ ફરિયાદ અધિકારીની નિમણૂંક કરી ન હતી. માટે ટ્વિટરને કલમ ૭૯ હેઠળ જે કાનુની રક્ષણ મળતુ હતુ એ હવે બંધ થયું છે.

તેનો અર્થ એવો થાય કે ટ્વિટર પર રોજ થતી લાખો ટ્વિટ્સમાં કોઈ ટ્વિટ સામાજીક શાંતિ ભંગ કરનારી, ઉશ્કેરણી કરનારી, દેશના હિત વિરૂદ્ધની હશે તો ટ્વિટ કરનારા સામે તો કાર્યવાહી થશે, પણ ટ્વિટર સામેય કાર્યવાહી થશે. અત્યાર સુધી જે-તે ટ્વિટ બદલ જે-તે વ્યક્તિ કે ટ્વિટ કરનાર સંસ્થા સામે પગલાં લેવાતા હતા.

ટ્વિટર સામે પગલાં ન લેવાય એટલા માટે ટ્વિટરને ફરિયાદ અધિકારી નિમણૂંક કરવાનો વિકલ્પ અપાયો હતો. ટ્વિટરે ફરિયાદ અધિકારીની નિમણૂંક કે ભારત સરકારે આપેલી બીજી સૂચનાઓ માનવાની તૈયારી દાખવી નથી. આ અંગે કેન્દ્રીય આઈ.ટી.મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ હતુ કે ટ્વિટરે જાણી-જોઈને નિયમોનું પાલન નથી કર્યું. માટે સંઘર્ષ ઉભો થયો છે. ખેડૂત આંદોલન સહિતના ઘણા એવા મુદ્દા છે, જ્યારે સરકાર અને ટ્વિટર વચ્ચે સંઘર્ષ થયો છે. ખેડૂતોની સામુહિક હત્યા થાય છે એવી સંખ્યાબંધ ટ્વિટ્સ ટ્વિટર પર જોવા મળી હતી, જેના વિરૂદ્ધ ટ્વિટરે કાર્યવાહી કરી ન હતી. ટ્વિટરના ભારતમાં પોણા બે કરોડ યુઝર્સ છે. હવે જો ટ્વિટર સરકાર સાથે સમાધાન નહીં કરે તો વધારે કાર્યવાહી થઈ શકે છે.

ટ્વિટર પોતાની મનમાની કરવા માટે જાણીતી કંપની છે. અગાઉ તેણે લાખો ફોલોઅર્સ ધરાવતા અમેરિકી પ્રમુખ ટ્રમ્પનું એકાઉન્ટ પણ બંધ કરી દીધું છે. એટલે ટ્વિટર કોઈના દબાણમાં આવે એવુ વલણ ધરાવતી નથી. ભારત સરકારના નવા નિયમો દબાણમાં લાવવાનો પ્રયાસ છે, એવુ કહી ટ્વિટરે નિયમ પાલનનમાં આડોડાઈ કરી હતી. હવે તેના આકરા પરિણામો શરૂ થયા છે.

રવિશંકર પ્રસાદે ઉમેર્યું હતું કે ફેસબૂક, ગૂગલ વગેરે જાયન્ટ ટેક કંપનીઓ ભારત સરકારના નિયમો સ્વિકારી ચૂકી છે. એ વચ્ચે ટ્વિટરે આ વિખવાદનો વિકલ્પ પસંદ કર્યો છે. તેમણે કહ્યુ હતુ કે ઉત્તર પ્રદેશની ઘટનાથી સાબિત થાય છે કે ટ્વિટર ફેક ન્યૂઝને પ્રમોટ કરે છે.

ટ્વિટરને જો ફરીથી કાનૂની રક્ષણ નહીં મળે તો તેના માટે મુશ્કેલી થશે. કેમ કે ટ્વિટર પર તો રોજ સંખ્યાબંધ ફેક-હાનિકારક, નુકસાન કર્તા હોય એવી માહિતી-વિડીયો-ફોટા ટ્વિટ થતા હોય છે. સરકાર ધારે તો એ બધા માટે ટ્વિટરને જવાબદાર ઠેરવી શકે છે.

માહેશ્વરીની પૂછપરછ માટે દિલ્હી પોલીસ બેંગ્લુરુ ગઈ

ટૂલકિટ કેસ : દિલ્હી પોલીસ દ્વારા ટવિટરના એમડીની પૂછપરછ

- ટ્વિટર ઇન્ડિયાના એમડીને પોતાની જ ટીમ અંગેની ખાસ જાણકારી નથી 

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ તાજેતરમાં જ કોંગ્રેસના કથિત ટૂલકિટને લઈને ટવીટ કર્યુ હતુ. પછી ટવીટરે તેને મેનિપ્યુલેટેડ મીડિયા જાહેર કરી હતી. આ મામલામાં ટવીટરના એમડી મનીષ મહેશ્વરીની દિલ્હી પોલીસે પૂછપરછ કરી છે. 

સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હી પોલીસેની એક ટીમે ૩૧મી મેના રોજ આ મામલા અંગે  માહેશ્વરીની પૂછપરછ કરવા બેંગ્લુરુનો પ્રવાસ ખેડયો હતો. સરકારી સૂત્રોનું કહેવું છે કે દિલ્હી પોલીસની તપાસ અમેરિકા સ્થિત મૂળ કંપનીની જોડે ટવિટર ઇન્ડિયાના સંબંધોની એક સ્પષ્ટ તસવીર દર્શાવી રહી છે, તેની સાથે ભારતીય કાયદો લાગુ કરતી સંસ્થાઓને ગેરમાર્ગે દોરવા માટે કોર્પોરેટ પડદાની જટિલ જાળનો પણ ખુલાસો કરી રહી છે. 

દિલ્હી પોલીસે ટવિટર ઇન્ડિયાને નોટિસ મોકલીને જાણકારી માંગી હતી કે કોંગ્રેસની કહેવાતી ટૂલકિટ પર સંબિત પાત્રાના ટવીટને મેનિપ્યુલેટેડ મીડિયાના સ્વરૂપમાં ટેગ કેમ કરવામાં આવી હતી. સરકારના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે ટવિટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સાથે પૂછપરછ કરવાનો નિર્ણય દિલ્હી પોલીસને તેની નોટિસો પર અપમાનજનક પ્રતિક્રિયા મળ્યા પછી લેવાયો હતો. 

માહેશ્વરીએ દિલ્હી પોલીસને જણાવ્યું હતું કે ટવિટર ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારી હોવા છતાં તેમને કંપનીના ડિરેક્ટરો અંગે ખાસ જાણકારી ન હતી. તેમણે પોતે જ કોર્પોરેટ મામલાના મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલા રેકોર્ડ દ્વારા ટવિટર ઇન્ડિયાના સંસ્થાકીય માળખાની જાણકારી મળી હતી. દિલ્હી પોલીસને પણ તે વાતનું આશ્ચર્ય છે કે દેશમાં કંપનીના વરિષ્ઠ કર્મચારી હોવા છતાં તેને પોતાની ટીમ અંગે ઘણી ઓછી જાણકારી છે. 

માહેશ્વરીએ જણાવ્યું હતું કે તે ટવિટરમાં સિંગાપોર સ્થિત યૂ સાસામોટોને રિપોર્ટ કરે છે. સાસામોટોએ આ વર્ષે પહેલી મેના રોજ જાપાન, દક્ષિણ કોરિયા અને એશિયા પ્રશાંત માટે ટવિટરના વડા બન્યા હતા. તેમણે માયા હરિનું સ્થાન લીધું હતું. 

દિલ્હી પોલીસના સૂત્રોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે માહેશ્વરીએ સ્વીકાર્યુ હતું કે તે ટવિટર એશિયા પેસિફિકના એક કર્મચારીન રિપોર્ટ કરે છે, તેનો તર્ક એવો છે કે તે ટવિટર આઇએનસી સાથે સંલગ્ન નથી, સ્પષ્ટ રીતે આ વાત સાચી નથી.

શું ટ્વિટર બ્લોક થશે? : ટ્વિટરના યુઝર્સને શું ફરક પડશે?

સરકારના આ નિર્ણય પછી સૌથી મોટો સવાલ ભારતના પોણા બે ટ્વિટર યુઝર્સ સામે આવ્યો છે. શું ટ્વિટરને મળતું કાનૂની રક્ષણ હટી જવાથી વ્યક્તિગત ટ્વિટર એકાઉન્ટને કોઈ અસર થશે? શું ટ્વિટર ભારતમાં બ્લોક થશે?

પહેલી વાત એ છે કે જે લોકો જેન્યુઈન ટ્વિટ કરે છે, ખોટી માહિતી નથી ફેલાવતા, ફેક વિડીયો-ફોટો પોસ્ટ નથી કરતા એમને કોઈ અસર થવાની નથી. ટ્વિટર-સરકાર વચ્ચેની માથાકૂટમાં અત્યારે તેના યુઝર્સને કોઈ અસર થવાની શક્યતા નથી.

એ રીતે ભારતમાં ટ્વિટર બ્લોક કરી દેવાય એવી શક્યતા સાવ ઓછી છે. છે કેમ કે ભારત લોકશાહી દેશ છે. એટલે જો ટ્વિટર બ્લોક કરે તો જગતભરમાં ભારતની છાપ ખરાબ પડે. પરંતુ ટ્વિટર પોતાનું અક્કડ વલણ યથાવત રાખે તો પછી સરકારે પણ વધારે કડકાઈ દાખવવી પડશે.