×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શું કોવેક્સિનમાં વાપરવામાં આવ્યું છે વાંછરડાનું સીરમ? ભારત બાયોટેકે આપી આવી સ્પષ્ટતા


- ભારત બાયોટેકના કહેવા પ્રમાણે કોવેક્સિન સંપૂર્ણપણે શુદ્ધ વેક્સિન છે જેને તમામ અશુદ્ધિઓ દૂર કરીને તૈયાર કરવામાં આવી છે

નવી દિલ્હી, તા. 16 જૂન, 2021, બુધવાર

દેશમાં કોરોના વાયરસને માત આપવા માટે વેક્સિનેશનનું કામ ચાલી રહ્યું છે. પરંતુ વેક્સિનને લઈ સતત વિવિધ પ્રકારની વાતો સામે આવી રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસી નેતા ગૌરવ પાંધીએ ભારત બાયોટેકની કોવેક્સિનને લઈને એક દાવો કર્યો છે. ગૌરવના કહેવા પ્રમાણે કોવેક્સિન બનાવવા માટે ગાયના વાંછરડાના સીરમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ દાવો તેમણે એક આરટીઆઈમાં મળેલા જવાબના આધાર પર કર્યો છે. તેમના આ નિવેદનને લઈને કોવેક્સિન અંગેનો વિવાદ વધુ તેજ થયો છે અને ભારત બાયોટેક પણ પોતાના તરફથી સ્પષ્ટતા કરવી પડી છે. 

ટ્વીટમાં કર્યો દાવો

કોંગ્રેસી નેતા ગૌરવ પાંધીનું કહેવું છે કે, કોવેક્સિનમાં 20 દિવસ કરતાં ઓછી ઉંમર ધરાવતા ગાયના વાંછરડાના સીરમનો ઉપયોગ કરવામાં આવે છે. જો એવું હોય તો સરકારે પહેલેથી આ અંગે જાણકારી શા માટે ન આપી, કારણ કે તેનાથી ધાર્મિક લાગણી દુભાઈ શકે છે. 

ગૌરવે ટ્વીટમાં લખ્યું હતું કે, એક આરટીઆઈના જવાબમાં મોદી સરકારે સ્વીકાર્યું છે કે, કોવેક્સિનમાં ગાયના વાંછરડાના સીરમનો ઉપયોગ થાય છે. તેમાં 20 દિવસ કરતાં ઓછી ઉંમરના વાંછરડાને મારીને તેનો ઉપયોગ કરવામાં આવે છે જે જઘન્ય અપરાધ છે. આ જાણકારી સૌથી પહેલા લોકોની સામે આવવી જોઈએ. ગૌરવ પાંધીએ આ મુદ્દે અન્ય ઘણી ટ્વીટ કરી છે અને ગંભીર સવાલો પણ કર્યા છે. 

જે આરટીઆઈ શેર કરવામાં આવી છે તેમાં જાણકારી આપવામાં આવી છે કે, કંપનીઓ દ્વારા આપવામાં આવેલા ડેટા પ્રમાણે ગાયના વાંછરડાના સીરમનો ઉપયોગ વીરો સેલ્સની રિવાઈવલ પ્રોસેસ માટે કરવામાં આવે છે. 

ભારત બાયોટેકની સ્પષ્ટતા

આ દાવા બાદ સોશિયલ મીડિયામાં સતત કોવેક્સિનને લઈ સવાલો થઈ રહ્યા છે. આ તમામ સવાલો વચ્ચે ભારત બાયોટેકે સ્પષ્ટતા પણ આપી છે. ભારત બાયોટેકના કહેવા પ્રમાણે વાયરલ વેક્સિનના નિર્માણ માટે ગાયના વાંછરડાના સીરમનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ સેલ્સના ગ્રોથ માટે થાય છે પરંતુ SARS CoV2 વાયરસના ગ્રોથ કે ફાઈનલ ફોર્મ્યુલામાં તેનો ઉપયોગ નથી થયો. 

ભારત બાયોટેકના કહેવા પ્રમાણે કોવેક્સિન સંપૂર્ણપણે શુદ્ધ વેક્સિન છે જેને તમામ અશુદ્ધિઓ દૂર કરીને તૈયાર કરવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં અનેક દશકાઓથી વેક્સિન નિર્માણ માટે વાંછરડાઓના સીરમનો ઉપયોગ થઈ રહ્યો છે. છેલ્લા આશરે 9 મહિનાથી આ અંગે સાર્વજનિક પ્લેટફોર્મ પર જાણકારી આપી દેવાઈ છે.