×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ફુટબોલર રોનાલ્ડોના 'બે શબ્દો'ના કારણે કોકા કોલાને પડ્યો 30 હજાર કરોડનો ફટકો


- રોનાલ્ડોએ ટેબલ પરથી કોકા કોલાની બોટલ હટાવી દીધી હતી અને પાણીની બોટલ ઉઠાવીને 'ડ્રિંક વોટર' એમ કહ્યું હતું

નવી દિલ્હી, તા. 16 જૂન, 2021, બુધવાર

અત્યાર સુધીમાં ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે, એલન મસ્કના એક ટ્વીટના કારણે બિટકોઈનના ભાવ વધી ગયા હોય કે કોઈ કંપનીના શેર ઉંચા આવ્યા હોય. ત્યારે આવી જ એક ઘટના સોફ્ટ ડ્રિંકની દિગ્ગજ એવી કોકા કોલા સાથે બની છે.ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જે બે શબ્દો કહ્યા તેના કારણે આ ઘટના બની છે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રોનાલ્ડોએ કશું એવું કર્યું જેના કારણે કોકા કોલા કંપનીના શેર આશરે 30 હજાર કરોડ રૂપિયા સુધી તૂટી ગયા હતા અને કંપનીને ભારે મોટો ફટકો પડ્યો હતો. 

શું બન્યું હતું?

હાલ ફુટબોલની સીઝન ચાલી રહી છે અને યૂરો કપ રમાઈ રહ્યો છે. આ બધા વચ્ચે પોર્ટુગલ ટીમના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી હતી જેમ હંમેશા દરેક મેચની પહેલા અને બાદમાં કરવામાં આવે છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રોનાલ્ડોના ટેબલ પર 2 કોકા કોલાની અને એક પાણીની બોટલ પડેલી હતી. રોનાલ્ડોએ ત્યાં રહેલી બંને કોકા કોલાની બોટલ હટાવી દીધી હતી અને પાણીની બોટલ ઉઠાવીને 'ડ્રિંક વોટર' એમ કહ્યું હતું. 

બસ, માત્ર આ 25 સેકન્ડના વાક્યની એટલી જોરદાર અસર પડી કે, કોકા કોલાના શેર ધડાધડ તૂટવા લાગ્યા અને આશરે 4 બિલિયન ડોલર સુધી તૂટી ગયા. જાણવા મળ્યા મુજબ યૂરોપમાં બપોરે 3 વાગ્યે માર્કેટ ખુલ્યુ ત્યારે કોકા કોલાના શેરનો રેટ 56.10 ડોલર હતો. અડધા કલાક બાદ રોનાલ્ડોની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી અને પછી તરત કોકા કોલાના શેર ઘટવા લાગ્યા હતા અને 55.22 ડોલરે પહોંચી ગયા હતા. ત્યારથી કોકા કોલાના શેરમાં ભારે ઉતાર-ચઢાવ ચાલી રહ્યો છે. 

કોકા કોલાનું રિએક્શન

કોકા કોલા યૂરો કપની ઓફિશિયલ સ્પોન્સર છે. આ કારણે સ્પોન્સર તરીકે તેના ડ્રિન્ક સત્તાવાર કાર્યક્રમોમાં સામેલ કરવામાં આવે છે. આ વિવાદ બાદ કોકાકોલાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ખેલાડીઓને પ્રેસ કોન્ફરન્સ કે મેચ દરમિયાન દરેક પ્રકારનું ડ્રિંક આપવામાં આવે છે. તેઓ શું લેવાનું પસંદ કરે છે તે તેમના પર નિર્ભર છે.