×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગૌતમ અદાણીએ એક સમાચારથી માત્ર 2 દિવસમાં ગુમાવ્યા 40 હજાર કરોડ રૂપિયા


- NSDLએ Albula ઈન્વેસ્ટમેન્ટ ફંડ, Cresta ફંડ અને APMS ઈન્વેસ્ટમેન્ટ ફંડના એકાઉન્ટ ફ્રીઝ કર્યા હોવાના સમાચાર સામે આવેલા

નવી દિલ્હી, તા. 16 જૂન, 2021, બુધવાર

દેશના બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ ગૌતમ અદાણીની નેટવર્થમાં છેલ્લા 2 દિવસમાં 5.5 અબજ અમેરિકી ડોલર (આશરે 40,000 કરોડ રૂપિયા)નો ઘટાડો થયો છે. અદાણી ગ્રુપ અંગેના માત્ર એક જ સમાચારથી અદાણી ગ્રુપની માર્કેટ કેપ તો ઘટી જ છે પરંતુ સાથે જ ગૌતમ અદાણીને પોતાને પણ ઘણું નુકસાન થયું છે. 

શું હતા સમાચાર

સોમવારે એવા સમાચાર આવ્યા હતા કે, નેશનલ સિક્યોરિટી ડિપોજિટરી લિમિટેડ (NSDL)એ 3 વિદેશી ફંડોના એકાઉન્ટ પર રોક લગાવી દીધી છે. આ ફંડોએ અદાણી ગ્રુપની કંપનીઓમાં 43,500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ કારણે સોમવારે અદાણી જૂથની કંપનીઓના શેર ગોથા ખાવા લાગ્યા હતા અને મોટા ભાગના શેરોમાં લોઅર સર્કિટ લગાવવી પડી હતી. મંગળવારે પણ અદાણી જૂથના અનેક શેરોમાં લોઅર સર્કિટ લગાવવી પડી હતી. 

NSDLએ Albula ઈન્વેસ્ટમેન્ટ ફંડ, Cresta ફંડ અને APMS ઈન્વેસ્ટમેન્ટ ફંડના એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે. ડિપોજિટરીની વેબસાઈટના અહેવાલ પ્રમાણે આ એકાઉન્ટ 31 મે અથવા તેના પહેલા ફ્રીઝ કરવામાં આવ્યા છે. 

આ સમાચાર સામે આવતા જ સોમવારે શેર માર્કેટના શરૂઆતના વેપાર દરમિયાન જ ગૌતમ અદાણીની નેટવર્થમાં અચાનક 10 અબજ ડોલરનો ઘટાડો થયો હતો. જોકે બાદમાં તેમાં થોડો સુધારો થયો હતો. સોમવારે બપોર સુધીમાં અદાણી જૂથે પોતાના નિવેદનમાં આ સમાચાર સંપૂર્ણપણે નિરાધાર છે તેમ કહ્યું હતું. સાથે જ NSDLએ પણ તે અંગે ઈનકાર કર્યો હતો. તેનાથી અદાણી જૂથના શેરમાં થોડો સુધારો તો થયો પરંતુ તે સંપૂર્ણપણે રિકવર ન થઈ શક્યા. મંગળવારે ફરીથી અનેક શેરોમાં લોઅર સર્કિટ લાગી હતી.