×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'છોકરીઓને ન આપશો મોબાઈલ, વધી રહેલા ગુનાઓનું સૌથી મોટું કારણ'- UP મહિલા આયોગના સદસ્ય


- જો આજે છોકરીઓ બગડી છે તો તેના પાછળ તેમની માતાઓ જ જવાબદાર છેઃ મીના કુમારી

નવી દિલ્હી, તા. 10 જૂન, 2021, ગુરૂવાર

પહેલેથી જ મહિલા વિરૂદ્ધના ગુનાઓ એક મોટી સમસ્યા સમાન છે અને સમાજમાં સતત આ મુદ્દે કામ કરવાની સલાહ આપવામાં આવે છે. ત્યારે ઉત્તર પ્રદેશના રાજ્ય મહિલા આયોગના સદસ્ય મીના કુમારીના મતે મહિલાઓ વિરૂદ્ધ ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે તેના પાછળનું કારણ તેઓ મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે તે છે. 

ઉત્તર પ્રદેશના અલીગઢ પહોંચેલા મીના કુમારીએ જણાવ્યું કે, મહિલાઓ વિરૂદ્ધ ગુનાઓ વધી રહ્યા છે તે અંગે સમાજે પોતે જ ગંભીર થવું પડશે. આવા કેસમાં મોબાઈલ એક મોટી સમસ્યા બનીને સામે આવ્યો છે. છોકરીઓ કલાકો સુધી ફોન પર વાત કરે છે. છોકરાઓ સાથે ઉઠે બેસે છે. 

મીના કુમારીએ જણાવ્યું કે, છોકરીઓના મોબાઈલ પણ ચેક નથી કરવામાં આવતા. ઘરના લોકોને ખબર પણ નથી હોતી અને મોબાઈલથી વાત કરતા-કરતા તેઓ છોકરાઓ જોડે ભાગી જાય છે. 

ઉત્તર પ્રદેશ મહિલા આયોગના સદસ્ય મીના કુમારીએ છોકરીઓને મોબાઈલ ન આપવા વિનંતી કરી હતી અને જો મોબાઈલ આપો તો સંપૂર્ણ મોનિટરિંગ કરવા કહ્યું હતું. તેમના મતે આ માટે માતાની જવાબદારી સૌથી મોટી છે અને જો આજે છોકરીઓ બગડી છે તો તેના પાછળ તેમની માતાઓ જ જવાબદાર છે. 

ઉલ્લેખનીય છે કે, મહિલાઓ પ્રત્યે અત્યાચારનું પ્રમાણ વધી રહ્યું છે અને તે સતત મહત્વનો મુદ્દો બની રહ્યો છે પરંતુ આવા સંવેદનશીલ મુદ્દે મહિલા આયોગના સદસ્ય દ્વારા આ રીતે મોબાઈલ ફોનને જવાબદાર ઠેરવવામાં આવે તેની ખૂબ ટીકા થઈ રહી છે.