×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દરિયામાં કરોડો ટન માટી ઠાલવીને નવું 'શહેર' વસાવવા જઈ રહ્યો છે આ દેશ!


- જો સમયસર આ પરિયોજનાનું કામ ચાલુ થઈ જશે તો વર્ષ 2035 સુધીમાં તેના પાયાનો મોટા ભાગનો હિસ્સો તૈયાર થઈ જશે

નવી દિલ્હી, તા. 09 જૂન, 2021, બુધવાર

ડેનમાર્ક દરિયામાં કરોડો ટન માટી ઠાલવીને એક નવું શહેર વસાવવા જઈ રહ્યું છે. દેશની સંસદે આ પ્રોજેક્ટ માટે મંજૂરી આપી દીધી છે. આ નવા શહેરમાં 35,000 લોકોને રહેવા માટે ઘર મળી શકશે અને આધુનિક શહેર તરીકે આ શહેરમાં તમામ સુવિધાઓ મળશે. કોપેનહેગન બંદરને દરિયાના વધી રહેલા જળ સ્તરથી બચાવવા માટે આ કૃત્રિમ દ્વીપનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 

લિનેટહોમ નામના આ વિશાળ દ્વીપને રિંગ રોડ, ટનલ અને મેટ્રો લાઈન દ્વારા ડેનમાર્કની રાજધાની કોપેનહેગન સાથે જોડવામાં આવશે. તેનો આકાર એક વર્ગ મીલ એટલે કે 2.6 વર્ગ કિમી હશે. જો બધું સમુસુતરૂ પાર પડશે તો વર્ષના અંત સુધીમાં આ પરિયોજનાનું કામ શરૂ કરી દેવામાં આવશે. 

જોકે દરિયામાં શરૂ થનારી આ પરિયોજનાને લઈ પર્યાવરણવિદોનું મંતવ્ય અલગ છે. તેઓ આ નિર્માણના સંભવિત પ્રભાવને લઈને ખૂબ જ ચિંતિત છે અને તેમના વિરોધનો સામનો કરવો પડે તેવું બની શકે છે. પરંતુ આ પરિયોજના માટે સુરક્ષાના ધોરણોનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. 

ડેનમાર્ક ખાતે બની રહેલા આ નવા દ્વીપની ચારે બાજુ બાંધ બનાવવામાં આવશે જેથી દરિયામાં વધતા જળ સ્તર અને તોફાની લહેરોથી બંદરની સુરક્ષા કરી શકાય. જો સમયસર આ પરિયોજનાનું કામ ચાલુ થઈ જશે તો વર્ષ 2035 સુધીમાં તેના પાયાનો મોટા ભાગનો હિસ્સો તૈયાર થઈ જશે અને 2070 સુધીમાં તેનું નિર્માણ કાર્ય પૂરૂ થશે તેવી આશા છે. 

જોકે કેટલાક પર્યાવરણ જૂથોએ યુરોપિય ન્યાયાલય (ઈસીજે) સમક્ષ આ દ્વીપના નિર્માણને લઈ અરજી કરી છે. તેમના મતે જો આ પરિયોજના પર કામ ચાલુ થશે તો તેના માટે કાચો માલ પહોંચાડનારા દરરોજ આશરે 350 ટ્રક કોપેનહેગનમાંથી પસાર થશે. આ કારણે શહેરના રસ્તાઓ પર વાહનોની સંખ્યા વધશે અને પ્રદૂષણ પણ વધશે.