×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદી Live: બીજી લહેર દરમિયાન દેશ મોટી પીડામાંથી પસાર થઇ રહ્યો છે


નવી દિલ્હી, તા. 07 જૂન, 2021, સોમવાર

કોરોના વાયરસના સંકટ વચ્ચે વડાપ્રધાન મોદી આજે સોમવારે ફરી એક વખત રાષ્ટ્રજોગ સંબોધન કરશે. વડાપ્રધાન મોદી સોમવારે સાંજે 5:00 કલાકે પોતાની વાત રજૂ કરશે અને PMO દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી છે. દેશમાં આજે જ અનલોકની પ્રક્રિયા શરૂ થઈ છે જેથી દેશભરના લોકોની નજર વડાપ્રધાન પોતાના સંબોધનમાં કયા મુદ્દાઓ આવરી લેશે તેના પર ટકેલી છે. આ સંજોગોમાં વડાપ્રધાનના સંબોધનથી શું આશાઓ છે તેના પર એક નજર નાખીએ..

અનલોક અંગે સાવધાની
કોરોનાની બીજી લહેર હવે માંડ ધીમી પડી છે જેથી અનેક રાજ્યની સરકારોએ લોકડાઉનમાં છૂટછાટ આપવાની શરૂઆત કરી છે. દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ જેવા મોટા શહેરોમાં અનલોકની પ્રક્રિયા શરૂ થઈ છે અને બજાર, મેટ્રો, દુકાનો ખુલવા શરૂ થયા છે. 

તેવામાં વડાપ્રધાન પોતાના સંબોધનમાં અનલોકિંગની આ પ્રક્રિયા અંગે સંવાદ સાધી શકે છે અને લોકોને સાવધાની રાખવા વિનંતી કરી શકે છે. પહેલા પણ જ્યારે લોકડાઉન ખુલ્યું હતું ત્યારે બજારોમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. 

ફ્રી વેક્સિન અભિયાન
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સહિત તમામ વિપક્ષી નેતાઓ દેશવ્યાપી ફ્રી વેક્સિન અભિયાન ચલાવવા માંગણી કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર હાલ 45 વર્ષ કરતા વધારે ઉંમરના લોકો માટે સરકારી વેક્સિનેશન સેન્ટર્સ પર ફ્રી વેક્સિન ઉપલબ્ધ કરાવી રહી છે. જો કે 18 પ્લસ માટે રાજ્ય સરકારોએ જાતે વેક્સિન ખરીદવાની છે. 

હાલ અનેક રાજ્યો પોતાની તરફથી ફ્રી વેક્સિનેશન અભિયાન ચલાવે છે. આશરે 2 ડઝન કરતા વધારે રાજ્યોએ આ અભિયાન ચલાવ્યું છે. પરંતુ દરેકની માંગણી છે કે કેન્દ્ર દેશવ્યાપી વેક્સિનેશન અભિયાન ચલાવે. ત્યારે આજના સંબોધનમાં વડાપ્રધાન આ અંગે કોઈ જાહેરાત કરે તેવી આશા છે. 

આર્થિક પેકેજની વધુ એક જાહેરાત
કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી બધું ઠપ્પ થઈ ગયેલું છે. મોટી મોટી કંપનીઓથી માંડીને રસ્તાના કિનારે રેંકડી ચલાવનારા સૌ કોઈના કામને અસર પહોંચી છે. આ સંજોગોમાં અર્થતંત્ર પણ ચોપટ થઈ ગયું છે. ત્યારે કેન્દ્ર આ અંગે કોઈ મોટું પગલું ભરે તેવી આશા છે. વડાપ્રધાને ગત વર્ષે 20 લાખ કરોડના આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી હતી જેના અંતર્ગત અનેક ઈન્ડસ્ટ્રીઓને છૂટ આપવામાં આવી હતી. 

જોકે વિપક્ષ સતત એવી માંગણી કરી રહ્યું છે કે, તમામ મજૂરો અને સામાન્ય લોકોના ખાતામાં કેન્દ્ર તરફથી સીધી આર્થિક મદદ કરવામાં આવે જેથી લોકો પોતાના ખર્ચા કાઢી શકે. કેન્દ્ર સરકાર પહેલેથી જ તમામ રાશનકાર્ડધારકોને ફ્રી રાશન આપી રહી છે. 

અન્ય કોઈ જાહેરાત
વડાપ્રધાન પોતાના સંબોધનમાં શું કહેશે તે પહેલેથી નક્કી કરવું મુશ્કેલ છે પરંતુ હાલ કોરોના સંકટને લઈ જે રીતે ચિંતાઓ વધી રહી છે તે જોતા વડાપ્રધાનના સંબોધનને લઈ ઉત્કંઠા વધી છે. મુખ્ય મુદ્દાઓ સિવાય વેક્સિનેશનને લઈ દેશભરમાં જે ભ્રમ ફેલાયેલો છે અને મોટી સંખ્યામાં ગ્રામીણ વિસ્તારના લોકો વેક્સિન લેવા ના પાડી રહ્યા છે ત્યારે વડાપ્રધાન મોદી લોકોને વેક્સિન લેવા વિનંતી કરી શકે છે.