×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હી AIIMS માં બાળકો પર થશે કોવાક્સિન રસીનું ટ્રાયલ, 18 બાળકોને બોલાવવામાં આવ્યા

નવી દિલ્હી, 6 જુન 2021 રવિવાર

કોરોના રોગચાળાની ત્રીજી લહેર બાળકો પર ભયાનક અસર કરી શકે છે, તે આશંકાને ધ્યાનમાં રાખીને સરકાર અને રસી ઉત્પાદક કંપનીઓ ઝડપથી કામમાં લાગી ગઇ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભારત બાયોટેક અને આઈસીએમઆર દ્વારા વિકસિત કોવાક્સિનનું બાળકો પર ટ્રાયલ હવે સોમવારથી નવી દિલ્હીના એઈમ્સમાં શરૂ થશે. અગાઉ પટણા એઇમ્સમાં બાળકો પર ટ્રાયલ શરૂ થઈ છે. મળતી માહિતી મુજબ સોમવારે 18 બાળકોને ટ્રાયલ માટે એઈમ્સ દિલ્હી બોલાવવામાં આવ્યા છે.

પટણા એઇમ્સે ગયા અઠવાડિયે બાળકો પર કોવાક્સિનની ટ્રાયલ શરૂ કરી હતી. આ ટ્રાયલમાં 2 થી 18 વર્ષની વયના બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા જ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ બાળકો પર કોવાક્સિનનાં બીજા તબક્કા અને ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ્સ હાથ ધરવાની મંજૂરી આપી દીધી છે.

દિલ્હીને પણ ટ્રાયલ સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. દિલ્હી ઉપરાંત પટણા એઈમ્સ અને નાગપુરની મેડિટ્રીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં બાળકો પર કોવાક્સિનનો ટ્રાયલ કરવામાં આવી રહી છે. પટણા એઇમ્સમાં ચાલી રહેલા ટ્રાયલમાં 12 થી 18 વર્ષની વયના બાળકો શામેલ છે. આ પછી, 6-12 વર્ષના બાળકો પર કોવાક્સિનનું ટ્રાયલ થશે. ત્યાર બાદ 2-6 વર્ષનાં બાળકોનો નંબર આવશે.

દેશભરમાં બાળકો પર થનારા આ ટ્રાયલમાં કુલ 525 બાળકોનો સમાવેશ કરાશે. માહિતી અનુસાર, કોવાક્સિનના બંને ડોઝ 28 દિવસનાં અંતરે આપવામાં આવે છે. તેમાં એ જોવામાં આવશે કે બાળકોમાં કોરોના રસી કેટલી અસરકારક છે, અને તેની કોઈ આડઅસર છે કે કેમ તે આમાં જોવામાં આવશે.